Get The App

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ 1 - image

Smartphone Makers vs UIDAI: ભારત સરકાર હવે દેશમાં વેચાતા દરેક નવા સ્માર્ટફોનમાં 'આધાર' એપને પહેલાથી જ ઇન્સ્ટોલ રાખવાની યોજના બનાવી રહી છે. જોકે, એપલ, સેમસંગ અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓએ સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. થોડા સમય પહેલા જ 'સંચાર સાથી' એપને લઈને થયેલા વિવાદ બાદ હવે આધાર એપને લઈને નવો મોરચો મંડાયો છે.

શું છે સરકારનો પ્રસ્તાવ?

રોઇટર્સના અહેવાલ મુજબ, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આ વર્ષે જાન્યુઆરીમાં આઇટી મંત્રાલયને એક ખાનગી પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવ મુજબ નવા ફોન સેટઅપ કરતી વખતે ઘડિયાળ કે કેલ્ક્યુલેટરની જેમ જ આધાર એપ પણ ફોનમાં પહેલેથી જ હોવી જોઈએ. સરકારનો તર્ક છે કે આનાથી સામાન્ય નાગરિકોને આધારની સુવિધાઓ જેવી કે પ્રોફાઇલ અપડેટ અને બાયોમેટ્રિક લોકીંગ માટે અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

કંપનીઓ કેમ કરી રહી છે વિરોધ?

મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી (MAIT), જે એપલ અને સેમસંગ જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે આ પ્રસ્તાવ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. કંપનીઓનું માનવું છે કે સરકારી એપ્સ પ્રી-ઇન્સ્ટોલ કરવાથી યુઝર્સની પ્રાઈવસી જોખમાઈ શકે છે. જો ભારત માટે અલગથી એપ્સ નાખવી પડે, તો કંપનીઓએ ભારત અને નિકાસ બજાર માટે અલગ-અલગ પ્રોડક્શન લાઈનો રાખવી પડશે, જે ઘણું ખર્ચાળ અને જટિલ છે.કંપનીઓનું કહેવું છે કે રશિયા સિવાય દુનિયાનો કોઈ પણ દેશ સ્માર્ટફોનમાં સરકારી એપ્સ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનું કહેતો નથી.

સંચાર સાથી અને આધાર વચ્ચે શું તફાવત છે?

હાલમાં જ સરકારે સંચાર સાથી એપનો આદેશ પાછો ખેંચવો પડ્યો હતો. આધાર એપનો પ્રસ્તાવ હાલમાં માત્ર એક વિનંતી તરીકે રજૂ કરાયો છે, જ્યારે સંચાર સાથી એક ફરજિયાત ઓર્ડર હતો. ઉપરાંત, સંચાર સાથી જૂના ફોનમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા નાખવાની યોજના હતી, જે યુઝર્સ ડિલીટ પણ કરી શકતા નહોતા.

હજુ બીજી એપ્સ પણ લાઈનમાં છે?

અહેવાલો અનુસાર, માત્ર આધાર જ નહીં પરંતુ અન્ય 6 સરકારી એપ્સ સામે પણ સ્માર્ટફોન ઉત્પાદકોએ વાંધો ઉઠાવ્યો છે. ડિઝાસ્ટર એલર્ટ આપતી આ એપને પણ પ્રી-ઇન્સ્ટોલ કરવા સામે MAIT એ 10 માર્ચ 2026 ના રોજ આઇટી મંત્રાલયને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. ભારત સરકાર ડિજિટલ સેવાઓ વધારવા માંગે છે, જ્યારે બીજી તરફ અમેરિકા, યુકે અને યુરોપ જેવા લોકશાહી દેશો સરકારી એપ્સ ફરજિયાત કરવાને બદલે સુરક્ષાના નિયમો પર વધુ ધ્યાન આપે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વિરોધ સામે નમે છે કે નવો કાયદો લાવે છે.