Get The App

ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે 1 - image


FIA Seeks Urgent Govt Relief: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે ભારતીય આકાશ પર જોવા મળી રહી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ દેશની એરલાઇન કંપનીઓની કમર તોડી નાખી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને ગંભીર ચેતવણી આપી છે કે જો તત્કાળ નાણાકીય સહાય કે રાહત આપવામાં નહીં આવે, તો ઘણી કંપનીઓએ પોતાની કામગીરી કાયમી ધોરણે બંધ કરવી પડશે.

ખર્ચનું ગણિત ખોરવાયું:

FIA ના જણાવ્યા અનુસાર, એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં અગાઉ જેટ ફ્યુઅલનો હિસ્સો 30% થી 40% રહેતો હતો, જે હવે વધીને 55% થી 60% સુધી પહોંચી ગયો છે. ઈંધણના ભાવ એટલી હદે અનિશ્ચિત બન્યા છે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરવી હવે આર્થિક રીતે અવ્યવહારિક બની ગઈ છે. ખાસ કરીને વિદેશી રૂટ પર ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 73 થી 75 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

સરકાર પાસે મોટી માંગણી:

એરલાઇન સેક્ટરે વર્તમાન કરમાળખાની આકરી ટીકા કરી છે. FIA એ સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે:

સ્થાનિક કામગીરી માટે એટીએફ પર લાગતો 11% ઉત્પાદન વેરો (Excise Duty) અસ્થાયી ધોરણે નાબૂદ કરવામાં આવે.

'સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઇસિંગ મિકેનિઝમ' ને ફરીથી અમલી બનાવવામાં આવે જેથી ભાવમાં સ્થિરતા રહે.

જો સરકાર આ બાબતે વહેલી તકે નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં અનેક ફ્લાઇટ્સ રદ થવાની અને એરલાઇન કંપનીઓ દેવાળું ફૂંકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.