Get The App

'હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે', ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
'હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે', ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ 1 - image

 Image - IANS


INDvsPak T20 World Cup : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે યોજાનારી ભારત-પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચને લઈને રાજકીય પારો ગરમાયો છે. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મેચ સામે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મેચની કોઈ જરૂર છે અથવા આ કોઈ મોટું રમત આયોજન છે. ચતુર્વેદીના મતે, આ મેચ એ ભારતીયોના લોહી પર રમાઈ રહી છે. જેઓ પહલગામ આતંકી હુમલા અને લાલ કિલ્લાના બ્લાસ્ટમાં માર્યા ગયા હતા. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે, ICC એ પાકિસ્તાનને રમવા માટે મનાવ્યું અને BCCI તથા PCB માટે આ મેચ રમવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમાં મોટો આર્થિક ફાયદો જોડાયેલો છે. તેમણે આ સમગ્ર પરિસ્થિતિને દેશ માટે અત્યંત કમનસીબ ગણાવી છે.

‘આ રમત નથી, વેપાર છે’

શિવસેના (UBT) ના નેતા આનંદ દુબેએ પણ આ મુકાબલાના સમય અને તેની જરૂરિયાત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. વડાપ્રધાનના જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, એક તરફ એવું કહેવાય છે કે 'લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી', તો બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમાઈ રહી છે? દુબેના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ટીમ અત્યંત નબળી છે અને તે પહેલા મેચ ન રમવાની ધમકી માત્ર એટલા માટે આપી રહી હતી. જેથી બાંગ્લાદેશ સાથે મિત્રતા બતાવી શકે, પરંતુ અંતે તેઓ પૈસા માટે રમવા તૈયાર થઈ ગયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હવે રમત નહીં પરંતુ માત્ર એક બિઝનેસ બનીને રહી ગઈ છે.

કોલંબોમાં ચાહકોનો જોશ અને ખેલાડીઓની તૈયારી

રાજકીય વિરોધ વચ્ચે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કોઈપણ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે, "24 કલાક રાહ જુઓ." સ્ટેડિયમની બહાર હાજર ભારતીય સમર્થકો પોતાની ટીમની જીતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે અને અભિષેક શર્માની બેટિંગ જોવા આતુર છે. બીજી તરફ, પાકિસ્તાની સમર્થકોનો દાવો છે કે, તેમની ટીમ ઈન્ડિયાના ઓવર કોન્ફિડન્સને તોડી નાખશે અને ઈતિહાસનું પુનરાવર્તન કરીને જીત મેળવશે. કોલંબોમાં વરસાદની આશંકા વચ્ચે બંને ટીમના પ્રશંસકો પોતપોતાની જીતના નારા લગાવી રહ્યા છે.

આંકડામાં ભારતનું પલડું ભારે

વર્લ્ડ કપનો ઈતિહાસ અને હાલનું ફોર્મ જોતા ભારતીય ટીમનું પલ્લું ઘણું મજબૂત જણાય છે. ભારતે ટી20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે 16 માંથી 13 મેચ જીતી છે. જ્યારે વર્લ્ડ કપમાં આ રેકોર્ડ 7-1 રહ્યો છે. હાલમાં બંને ટીમો પોતાની શરૂઆતની બે-બે મેચ જીતીને ગ્રુપ-એમાં ટોચ પર છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત +3.050 ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ ક્રમે છે. જોકે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ફેન્સને આશા છે કે સાંજે મુકાબલો કોઈપણ અવરોધ વિના શરૂ થશે.