US India Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા તેજ બની છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ટ્રેડ ડીલને લઈને ઉઠાવવામાં આવેલા સવાલો મામલે પ્રતિક્રિયા આપી છે. ટ્રેડ ડીલમાં ભારતે સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું હોવાના દાવાઓને ગોયલે સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું કે, "આવા દાવા કરનારાઓ અજ્ઞાની છે. આ ટ્રેડ ડીલ એક લેબર ઓફ લવ છે."
ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ
પિયૂષ ગોયલે કહ્યું કે, "કૃષિ મામલે ભારતના ખેડૂતો અને ઉત્પાદકોના હિતોનું 100% ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતે માંસ, મરઘાં, GM ફૂડ્સ અથવા તેના ઉત્પાદનો પર કોઈ સબસિડી આપી નથી. આ ઉપરાંત, સોયાબીન ખોળ, મકાઈ, ચોખા અને ઘઉં જેવા અનાજ તેમજ જુવાર, બાજરી અને રાગી જેવા પાકને સુરક્ષિત રખાયા છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઉગાડવામાં આવતા ફળો જેમ કે કેળા, સ્ટ્રોબેરી, ચેરી, સાઇટ્રસ ફળો, લીલા વટાણા, ચણા, મગની દાળ, તેલીબિયાં, મગફળી અને મધ જેવા ઉત્પાદકો પર કોઈ સમજૂતી થઈ નથી. આ બધા ભારત માટે સંવેદનશીલ ઉત્પાદનો છે અને તેમાં કોઈ ઉદારતા દાખવવામાં આવી નથી.
અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં: પિયૂષ ગોયલ
અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ કે LNG ખરીદવાના પ્રશ્ન પર પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ ભારતની પોતાની વ્યુહાત્મક રણનીતિનો એક ભાગ છે. આનાથી આપણને ઓઈલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં મદદ મળે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે કઈ કંપની ક્યાંથી તેલ ખરીદશે, તેનો નિર્ણય કંપનીઓ પોતે જ લેતી હોય છે. વેપાર સમજૂતીનું મુખ્ય કામ તો વ્યાપારી માર્ગોને વધુ સરળ અને સુલભ બનાવવાનું છે.
આ પણ વાંચો: ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી... મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ
પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ દેશ સાથે જ્યારે વેપાર સમજૂતી માટે વાતચીત થાય છે, ત્યારે તે અત્યંત ગહન અને વિસ્તૃત હોય છે. તેમાં દરેક પાસાં પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીરજ માંગી લે તેવી છે અને તેમાં ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. એટલે જ હું હંમેશા કહું છું કે, "આપણે ગતિ જાળવવી જોઈએ, ઉતાવળ નહીં."


