- વડાપ્રધાન મોદીએ ઈરાનના પ્રમુખ પેઝેશકિયાન સાથે વાત કરી
- ભારતે હોર્મુઝમાં ફસાયેલા ભારતીય વેપારી જહાજોની સુરક્ષા માટે ઓમાનની ખાડીમાં સાત જહાજ-વેસલ્સ મોકલ્યા
- આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગ હંમેશા ખુલ્લા અને સંપૂર્ણ સુરક્ષિત રહે તે જરૂરી : પીએમ મોદી
ભારતે હોર્મુઝની ખાડીમાં ઈરાનની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસની તેની જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય માર્ગો તરફ નજર દોડાવવાનું શરૂ કરી દીધું છે. મીડિયા અહેવાલ મુજબ સરકારી ઓઈલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમે ટેન્ડર જાહેર કરીને પશ્ચિમ આફ્રિકામાં અંગોલાથી ૨૦ લાખ બેરલ ઓઈલ ખરીદ્યું છે.
હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલ અને ગેસનું પરિવહન મુશ્કલે બનતા ભારતીય રિફાઈનરીઓએ હવે પશ્ચિમ આફ્રિકા અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાંથી ક્રૂડ ઓઈલની ખરીદી શરૂ કરી છે. આ સિવાય ભારત ક્રૂડ અને ગેસ માટે નવા-નવા રસ્તા શોધી રહ્યું છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમે અંગોલાથી જે ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે, તેની ડિલિવરી ૧થી ૧૦ મે વચ્ચે થઈ શકે છે. એ જ રીતે ઈન્ડિયન ઓઈલે પણ પશ્ચિમ આફ્રિકામાંથી ક્રૂડની ખરીદીના પ્રયત્નો શરૂ કર્યા છે. બીજીબાજુ હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની સૌથી વધુ અસર ભારતને થઈ રહી છે. ભારતના ૨૦થી વધુ વ્યાપારિક જહાજ હજુ પણ હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે. આ જહાજોના સુરક્ષિત પરિવહન માટે કેન્દ્ર સરકારે ભારતીય નેવીના સાતથી વધુ જહાજો અને લોજિસ્ટિક સપોર્ટ વેસલ્સને ઉત્તર અરબ સાગર તથા ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાન સાથે ફોન પર વાત કરી હતી અને તેમને ઈરાની નવા વર્ષ નવરોઝ અને ઈદ-ઉલ-ફિતરની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે મધ્ય-પૂર્વની વર્તમાન સ્થિતિ અને સુરક્ષા સંબંધિત ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની આશા વ્યક્ત કરી હતી. તેમણએ કહ્યું કે આ ક્ષેત્રની શાંતિ જ વૈશ્વિક વિકાસનો સાચો માર્ગ છે. તેમણે પશ્ચિમ એશિયાના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, આ પ્રકારના હુમલાથી માત્ર પ્રાદેશિક સ્થિરતા જ જોખમમાં નહીં મૂકાય, પરંતુ વૈશ્વિક સપ્લાય પણ અવરોધાયો છે. તેનાથી દુનિયાના અર્થતંત્ર પર ખરાબ અસર પડે છે.


