India Space Force : વિશ્વભરમાં આજે જમીનથી લઈને અંતરિક્ષ સુધીની સુરક્ષા ખૂબ જ મહત્ત્વની બની ગઈ છે. ત્યારે આજે (9 ફેબ્રુઆરી) રાજ્યસભામાં દેશની સુરક્ષા સાથે જોડાયેલા ‘સ્પેસ ફોર્સ’નો મુદ્દો ઉઠાવાયો છે. આ મુદ્દો ઉઠાવતી વખતે કહેવાયું છે કે, ભારતે પોતાની સ્વતંત્ર સ્પેસ ફોર્સની રચના કરવી જોઈએ. વર્તમાન સમયમાં અંતરિક્ષનો મામલો દેશની સુરક્ષા સાથે સીધો જોડાયેલો છે.
‘સ્પેસ ફોર્સ’ની રચના કરવાની ભલામણ
ઓડિશાના ભાજપ સાંસદ સુજીત કુમારે ‘સ્પેસ ફોર્સ’ની રચના કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, અંતરિક્ષ હવે માત્ર વિજ્ઞાન કે સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલું નથી, હવે તે દેશની સુરક્ષા, અર્થવ્યવસ્થા અને સૈન્ય ક્ષમતાઓ સાથે જોડાયેલું વ્યૂહાત્મક ડોમેન બની ગયું છે.
દુશ્મનો અંતરિક્ષમાં ગડબડ કરે તો સુરક્ષા-વ્યવસ્થા પર ખતરો
સાંસદે કહ્યું કે, ‘આજે અંતરિક્ષમાં રહેલા ઉપગ્રહો પર કૉલ, ઇન્ટરનેટ, GPS, બૅંકિગ, દેખરેખ અને સેના અભિયાનો નિર્ભર છે. જો દુશ્મન દેશ અંતરિક્ષમાં સામાન્ય ગડબડ ઊભી કરે તો તેની સીધી અસર દેશની જમીન પર સુરક્ષા અને વ્યવસ્થા પર પડી શકે છે.
સ્પેસ ફોર્સ જમીન પર હારથી બચાવવા માટે જરૂરી
સુજીત કુમારે ગૃહમાં કહ્યું કે, ‘કાં તો આપણે ચૂપ બેસીને આપણી અર્થવ્યવસ્થાને ઠપ કરે તેવા હુમલાની રાહ જોઈએ અથવા આપણે પહેલેથી એવી શક્તિ ઊભી કરીએ, જેમાં આવો હુમલો થઈ જ ન શકે. સ્પેસ ફોર્સ આકાશમાં યુદ્ધ જીતવા માટે નહીં, પરંતુ જમીન પર હારથી બચાવવા માટે જરૂરી છે. આ વિષય પર ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવી જોઈએ, જે સ્વતંત્ર સ્પેસ ફોર્સ અને સ્પેસ વૉરફેર અકાદમીની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રીત કરીને રિપોર્ટ સોંપે.’
‘વર્તમાન સમયમાં આ પૂરતું નથી’
તેમણે વધુમાં કહ્યું કે, ‘વર્ષ 2019માં ડિફેન્સ સ્પેસ એજન્સી અને ડિફેન્સ સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના તેમજ એન્ટી-સેટેલાઇટ પરીક્ષણની સફળતા મળી હતી, જેના કારણે ભારત વૈશ્વિક મંચ પર મજબૂત સ્પેસ પાવર તરીકે ઉભરી આવ્યું. જોકે વર્તમાન સમયમાં આ પૂરતું નથી.
ચીન-અમેરિકા પાસે સ્પેસ ફોર્સ
તેમણે ગૃહમાં વધુ વિગતો આપતાં કહ્યું કે, ‘અમેરિકાએ 2019માં સ્પેસ ફોર્સ બનાવ્યું છે, જ્યારે ચીન પાસે પણ અંતરિક્ષને જોડતી વિશેષ સૈન્ય ક્ષમતાઓ છે. આવી સ્થિતિમાં ભારતે પણ કોઈપણ પ્રકારની ઢીલાશ ન દાખવવી જોઈએ. આપણી વર્તમાન ડિફેન્સ સ્પેસ એજન્સી એક સારી શરુઆત છે, પરંતુ તે હજુ કામચલાઉ માળખામાં કાર્ય કરી રહી છે. આ એજન્સી પાસે પોતાની કેડર, કમાન અને કાયમી સંચાલન વ્યવસ્થા નથી. આવનારા સમયમાં અંતરિક્ષમાં ભારતના અનેક નવા સૈન્ય ઉપગ્રહો તહેનાત થશે, જેની 24 કલાક સુરક્ષા કરવા અને દેખરેખ રાખવા માટે સ્પેસ ફોર્સની રચના કરવાની જરૂર પડશે. પરંપરાગત સૈન્ય કમાન્ડ એકલા હાથે આ પડકારને ન સંભાળી શકે અને સમયની માંગ છે કે, ભારત વહેલામાં વહેલી તકે સ્પેસ ફોર્સની રચના માટે વિચારણા કરે.’


