India

'મિત્ર' દેશ પર પાકિસ્તાનના હુમલાથી ભારત નારાજ, કહ્યું- બેજવાબદાર કાર્યવાહીથી શાંતિ અને સ્થિરતા જોખમાઈ

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાથી ભારત સરકાર રોષે ભરાઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને કરેલી એરસ્ટ્રાઈકમાં 60 નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભારતે પાકિસ્તાનની આ કાર્યવાહીને અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર સીધો પ્રહાર ગણાવ્યો છે અને પ્રાદેશિક સ્થિરતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મિત્ર' દેશ પર પાકિસ્તાનના હુમલાથી ભારત નારાજ, કહ્યું- બેજવાબદાર કાર્યવાહીથી શાંતિ અને સ્થિરતા જોખમાઈ
IMAGE - IANS

Pakistan airstrikes Afghanistan: પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા ભયાનક બોમ્બમારાને કારણે ભારત સરકાર ભારે ગુસ્સામાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. પાકિસ્તાની વાયુસેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત આશરે 60 નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેને ભારતે અત્યંત શર્મજનક કૃત્ય ગણાવ્યું છે.

બીજી તરફ, અફઘાનિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આ આખી રાત ચાલેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 36 સામાન્ય નાગરિકો માર્યા ગયા છે અને 160થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાના કારણે બંને પાડોશી દેશો વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

પાકિસ્તાનની આ હરકત અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર સીધો હુમલો: ભારત

ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનની આ કાર્યવાહી અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર સીધો પ્રહાર છે અને તેનું પરિણામ પાકિસ્તાને ભોગવવું પડશે. ભારતે પ્રાદેશિક સ્થિરતા અંગે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, આ પ્રકારના હુમલાથી સમગ્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે. આ ઘટના પાકિસ્તાનના બિનજવાબદાર અને અવિચારી વલણને છતી કરે છે. પાકિસ્તાન પોતાના દેશની આંતરિક નિષ્ફળતાઓ અને આર્થિક-રાજકીય સમસ્યાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ સરહદ પાર આવી હિંસાનો આશરો લઈ રહ્યું છે.

પીડિતો પ્રત્યે સંવેદના અને અફઘાનિસ્તાનને પૂર્ણ સમર્થન

ભારતે આ દર્દનાક હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું છે, તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. આ કપરા સમયમાં ભારતે ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, તે અફઘાનિસ્તાનની સંપ્રભુતા અને તેની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે હંમેશા મજબૂતાઈથી અફઘાન લોકોની સાથે ઊભું રહેશે.

કરાચી રેન્જર્સ હેડક્વાર્ટર પર થયેલા આતંકી હુમલાનો બદલો?

છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં પોલીસ અને સુરક્ષા દળો પર આતંકવાદી હુમલાઓ સતત વધી રહ્યા છે. પાકિસ્તાન સરકારનો આરોપ છે કે આ હુમલાઓ પાછળ 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) અને તેની સાથે જોડાયેલા સંગઠનોનો હાથ છે, જેમને અફઘાનિસ્તાનમાંથી મદદ મળે છે.

વાસ્તવમાં, પાકિસ્તાને આ હવાઈ હુમલો કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના હેડક્વાર્ટર પર થયેલા આતંકી હુમલાના બરાબર એક દિવસ પછી કર્યો છે. કરાચીમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ રેન્જર્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના ત્રણ જવાનો માર્યા ગયા હતા. વળતી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા અને એક ઘાયલ આતંકીને જીવતો પકડી પાડ્યો હતો. પાકિસ્તાની સેનાનો દાવો છે કે પકડાયેલો આતંકવાદી અફઘાનિસ્તાનનો નાગરિક છે, જેના કારણે પાકિસ્તાની સેનાએ અકળાઈને અફઘાનિસ્તાનની સરહદમાં આ બોમ્બમારો કર્યો છે.