Get The App

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી 1 - image


India Imposes New Export Duty on Petrol, Diesel and ATF : વૈશ્વિક સ્તરે સર્જાયેલા તેલ સંકટ વચ્ચે ભારત સરકારે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા માટે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન અનુસાર, આગામી 1 જૂન 2026 થી પેટ્રોલ, ડીઝલ અને વિમાનમાં વપરાતા બળતણ (ATF) ના એક્સપોર્ટ (નિકાસ) પર સંશોધિત શુલ્ક લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી 2 - image

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી 3 - image

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય: 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર લાગશે નવી ડ્યુટી 4 - image

કઈ પ્રોડક્ટ પર કેટલો નવો ટેક્સ લાગશે?

સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર:

પેટ્રોલ: નિકાસ પર પ્રતિ લીટર રૂ. 1.5 શુલ્ક નક્કી કરાયું છે.

ડીઝલ: નિકાસ પર પ્રતિ લીટર રૂ. 13.5 શુલ્ક વસૂલવામાં આવશે.

એટીએફ (ATF): વિમાનના ઇંધણની નિકાસ પર પ્રતિ લીટર રૂ. 9.5 શુલ્ક નક્કી કરવામાં આવ્યું છે.

સામાન્ય ગ્રાહકો પર કોઈ જ અસર નહીં

સરકારના આ નિર્ણયની સૌથી રાહતજનક બાબત એ છે કે તેની અસર દેશના સામાન્ય ગ્રાહકો પર નહીં પડે. સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગતી વર્તમાન એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદ શુલ્ક) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટેક્સ માત્ર વિદેશમાં નિકાસ થતા પેટ્રોલિયમ ઉત્પાદનો પર જ લાગુ થશે, જેથી ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેશે. ઉલ્લેખનીય છે કે 16 મેના રોજ પેટ્રોલ પર પ્રતિ લિટર 3 રૂપિયા, ડીઝલ પર પ્રતિ લિટર 16.5 અને એટીએફ પર પ્રતિ લિટર 16 રુપિયા એક્સપોર્ટ ડ્યુટી લાગુ હતી. જેમાં હવે સુધારો કરીને ઘટાડો કરી દેવામાં આવ્યો છે. 

નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

આ પાછળનો મુખ્ય હેતુ ભારતીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતા વચ્ચે દેશના નાગરિકોને રાહત આપવાનો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને તેલ પુરવઠા સાથે જોડાયેલા જોખમોને ધ્યાનમાં રાખીને સરકારે અગાઉ 27 માર્ચ 2026 થી જ નિકાસ પર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી દીધી હતી. સરકારનું માનવું છે કે નિકાસ મર્યાદિત કરવાથી ઘરેલું માંગ સરળતાથી પૂરી થઈ શકશે અને કિંમતો પર કાબૂ મેળવી શકાશે.