Get The App

ભારત પાસે 190 પરમાણુ હથિયારો એક વર્ષમાં 12નો વધારો કર્યો

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
ભારત પાસે 190 પરમાણુ હથિયારો એક વર્ષમાં 12નો વધારો કર્યો 1 - image

- 4400 પરમાણુ હથિયારો સાથે રશિયા પહેલા નંબરે : સિપરીનો રિપોર્ટ

- ચીન 620 પરમાણુ હથિયારો સાથે દુનિયામાં ત્રીજા ક્રમે, બે વર્ષમાં 60નો ઉમેરો કર્યો : પાકિસ્તાન પાસે 170નો જથ્થો

- ચીન અને પાકિસ્તાન બંને એકધારા પરમાણુ હથિયારો વધારે છે તેથી ભારતે પણ ન્યૂક્લિયર વેપન્સની સ્પર્ધામાં ઝંપલાવવું પડયું : સિપરી

સ્ટોકહોમ : ધ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ભારતે એક વર્ષમાં ૧૨ નવા પરમાણુ હથિયારો બનાવ્યા છે અને એ સાથે ભારતના કુલ પરમાણુ હથિયારોની સંખ્યા ૧૯૦ થઈ ગઈ છે. દુનિયામાં હવે નવા પરમાણુ હથિયારોની સ્પર્ધા વધી છે તે બાબતે સિપરીએ ચિંતા વ્યક્ત કરી હતી. પરમાણુ હથિયારો બનાવવાની ટેકનિક વિકસાવી ચૂકેલા નવ દેશોએ સતત પરમાણુ હથિયારોની સંખ્યા વધારવા તરફ ધ્યાન આપ્યું છે.

રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ નિયંત્રણ અને પરમાણુ તૈનાતીની સમજૂતી થઈ હતી એ પૂરી થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે નવેસરથી પરમાણુ નિયંત્રણની સમજૂતી કરી નથી, તેના કારણે હવે બંને દેશો વચ્ચે પરમાણુ હથિયારો વધારવાની સ્પર્ધા નવેસરથી જામશે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટે ચિંતા વ્યક્ત કરી હતી કે હવે દુનિયામાં પરમાણુ હથિયારો વધારવાની હોડ નવેસરથી જામશે. ચીને એક જ વર્ષમાં ૩૪ નવા પરમાણુ હથિયારો બનાવી લીધા છે અને બે વર્ષમાં ૬૦ હથિયારો વધારીને આંકડો ૬૨૦ કર્યો છે. ૬૨૦ પરમાણુ હથિયારો સાથે ચીન દુનિયામાં ત્રીજા ક્રમે છે. રશિયા અને અમેરિકાએ પ્રથમ બે સ્થાન જાળવી રાખ્યા છે. રશિયા પાસે અંદાજે ૪૪૦૦ હથિયારો છે. તો અમેરિકા પાસે ૩૭૦૦ હથિયારો હોવાનો અંદાજ છે. જોકે, ઘણી ખાનગી થિંક ટેંક્સ તો એવોય દાવો કરે છે કે રશિયા પાસે ૬૦૦૦ અને અમેરિકા પાસે ૫૫૦૦થી ૬૦૦૦ પરમાણુ હથિયારો હોઈ શકે છે.

૨૯૦ હથિયારો સાથે ફ્રાન્સ ચોથા નંબરે છે. પાંચમા નંબરે રહેલા બ્રિટન પાસે ૨૨૫ પરમાણુ હથિયારો છે. આ યાદીમાં ૧૯૦ પરમાણુ હથિયારો સાથે ભારત છઠ્ઠા ક્રમે છે. સિપરીના કહેવા પ્રમાણે ભારતે એક વર્ષમાં ૧૨ પરમાણુ હથિયારો બનાવ્યા છે. ગત વર્ષે ૧૭૮થી ૧૮૦ હથિયારોનો અંદાજ વ્યક્ત થયો હતો. ભારતે પરમાણુ હથિયારો વધાર્યા તે માટે સિપરીએ ચીન અને પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યા હતા. ભારતના બે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સતત ન્યૂક્લિયર હથિયારો વધારતા હોવાથી પ્રાદેશિક સંતુલન માટે ભારતે પણ પરમાણુ હથિયારો વધાર્યા છે. પાકિસ્તાન આ યાદીમાં સાતમા ક્રમે છે. પાકિસ્તાન પાસે ૧૭૦ પરમાણુ વેપન્સ છે. ઈઝરાયલ ૯૦ હથિયારો ધરાવે છે અને નોર્થ કોરિયા પાસે ૬૦ પરમાણુ હથિયારો હોવાની શક્યતા છે. સિપરીએ નોંધ્યું હતું કે ભારત શાંતિકાળમાં પરમાણુ હથિયારોને બેલાસ્ટિક મિસાઈલોમાં તૈનાત કરે છે અને એ રીતે જવાબી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો વ્યૂહ અપનાવે છે. 

સિપરીના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ગ્લોબલી ૯૭૪૫  પરમાણુ હથિયારો લશ્કરી ઉપયોગ માટે તૈયાર રખાયા છે. એમાંથી ૪૦૦૨ પરમાણુ હથિયારો તો મિસાઈલો કે એરક્રાફ્ટ પર પહેલેથી જ તૈનાત થઈ ગયા છે. એ સિવાયનો જથ્થો સ્ટોરેજમાં રખાયો છે. સૌથી વધુ હથિયારો તૈનાત રાખવામાં રશિયા અને અમેરિકા આગળ છે.