Get The App

મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટ યુદ્ધઃ ભારત પાસે 25 દિવસનો ઓઈલ સ્ટોક, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: સૂત્ર 1 - image

Israel Iran War : અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાન સાથે વધતા તણાવ અને મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોએ દાવો કર્યો કે, ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા બાબતે ભારત હાલ સુરક્ષિત સ્થિતિમાં છે. સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ દાવો કર્યો કે, ‘ક્રૂડ ઓઈલ, LPG અને LNG ના સંદર્ભમાં આપણે અત્યારે ઘણી સારી સ્થિતિમાં છીએ. આપણી પાસે ક્રૂડ ઓઈલનો 25 દિવસનો રિઝર્વ સ્ટોક છે અને અન્ય 25 દિવસનો સ્ટોક ટ્રાન્ઝિટમાં (આવી રહ્યો) છે.’

હરદીપસિંહ પુરીએ આપી માહિતી

ગયા મહિને ઓઈલ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ વૈશ્વિક ઉથલપાથલના સમયે 74 દિવસની માંગને પૂરી કરી શકે તેટલો સક્ષમ છે. અમે અમારા અનામત જથ્થાની ગણતરી માત્ર સ્ટોરેજ (caverns)માં જ નહીં પરંતુ રિફાઇનરીઓમાં રહેલા જથ્થાના આધારે પણ કરીએ છીએ.

હોર્મુઝની ખાડી બંધ થતા ચિંતા વધી

વિશ્વના કુલ તેલ પરિવહનનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે 'હોર્મુઝની ખાડી' (Strait of Hormuz) ઈરાને બંધ કરી દેતા ઊર્જા સંકટની આશંકા વધી છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીએ સત્તાવાર જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, ઈરાને ચેતવણી આપી છે કે, જે પણ અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરશે તેને અમારી નેવી તબાહ કરી દેશે. અમે આ પ્રદેશની પાઇપલાઇન્સ પણ નિષ્ક્રિય કરી દઈશું અને ઓઈલની નિકાસ થવા દઈશું નહીં. અમે તેલનું એક ટીપું પણ પહોંચવા દઈશું નહીં.

યુદ્ધની ગંભીર અસર

હોર્મુઝની ખાડીમાં સામાન્ય રીતે દરરોજ 100 થી વધુ જહાજો પસાર થાય છે, પરંતુ રવિવારે માત્ર 3 અને સોમવારે માત્ર 1 ટેન્કર પસાર થઈ શક્યું હતું. ખાડી પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 6 જહાજ પર હુમલો કરાયો હતો. હાલ આ ખાડીની બંને બાજુ 700 થી વધુ ટેન્કરો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ અને સૈન્ય નેતૃત્વના હવાઈ હુમલામાં મોત બાદ ઈરાને આ કડક પગલું ભર્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં લગભગ 90% ક્રૂડ ટ્રાફિક અટકી ગયો છે.