India

પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવામાં ભારત મદદ કરી શકે છે: PM મોદી સાથે મુલાકાતમાં ઈરાનના પ્રમુખનું મોટું નિવેદન

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ 31 ઑ ગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં SCO સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ચાબહાર બંદર, હોર્મુઝની સમુદ્રધૂની અને પશ્ચિમ એશિયા સંકટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. પેઝેશ્કિયાને જણાવ્યું કે અમેરિકાએ વચન ન પાળ્યું હોવા છતાં ઈરાન આખરી સમજૂતી માટે પ્રતિબદ્ધ છે. ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવામાં ભારત મદદ કરી શકે છે: PM મોદી સાથે મુલાકાતમાં ઈરાનના પ્રમુખનું મોટું નિવેદન

PM Modi Meets Iran President Masoud Pezeshkian : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઑગસ્ટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન(SCO) સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પેઝેશ્કિયાને પીએમ મોદીને જણાવ્યું કે અમેરિકાએ પોતાનું વચન પૂરું ન કર્યું હોવા છતાં ઈરાન આખરી સમજૂતી પર પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. પેઝેશ્કિયાને કહ્યું કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવામાં ભારત ઘણું મદદરૂપ થઈ શકે છે.

શાંતિ અને સમજૂતી માટે ઈરાનની પ્રતિબદ્ધતા

સરકારી મીડિયાના અહેવાલ મુજબ, પેઝેશ્કિયાનએ જણાવ્યું કે, 'અમે હજુ પણ સમજૂતી અને પરસ્પર સમજણ ઊભી કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે યુદ્ધ ચાલુ રાખવાથી ન તો અમારા હિતોને અને ન તો આ ક્ષેત્ર કે માનવતાના હિતોને કોઈ ફાયદો થાય છે.'

અમેરિકાએ પોતાના વચનો પૂરા કર્યા નથી : ઈરાની રાષ્ટ્રપ્રમુખ

ફાર્સ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઈરાનના રાષ્ટ્રપ્રમુખએ પીએમ મોદી સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે અમેરિકામાં એવા લોકો છે જેઓ ઇચ્છે છે કે આ યુદ્ધ ચાલુ રહે. તેમણે કહ્યું કે અમેરિકાએ પોતાના વચનો પૂરા કર્યા નથી. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે બેઠક દરમિયાન બંને નેતાઓએ હોર્મુઝની સમુદ્રધૂની(Strait of Hormuz) સાથે સંકળાયેલા દરિયાઈ સહયોગ અને ચાબહાર બંદરમાં સહયોગ પર ચર્ચા કરી હતી.

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટમાં ભારતનું રોકાણ

તેમણે જણાવ્યું કે, 'ચાબહાર પોર્ટ દક્ષિણ-પૂર્વ ઈરાનમાં આવેલું છે, જેના એક ટર્મિનલને તૈયાર કરવામાં ભારતે ઓછામાં ઓછું 12 કરોડ ડૉલર(120 મિલિયન ડૉલર)નું રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટ પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં અમેરિકા તરફથી આપવામાં આવેલી છૂટ 30 ઑગસ્ટ-2026ના રોજ સમાપ્ત થઈ ગઈ છે.'

પરસ્પર સંબંધો મજબૂત કરશે ભારત-ઈરાન

બેઠક દરમિયાન બંને પક્ષોએ પરસ્પર સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને બંને દેશો માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઈરાન અને ભારત વચ્ચે પરસ્પર સહયોગ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે બંને ટોચના નેતાઓ વચ્ચે સતત સંવાદ જળવાઈ રહ્યો છે. જૂનમાં, બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં ઈરાની રાષ્ટ્રપ્રમુખે ભારતીય પીએમને પશ્ચિમ એશિયામાં બની રહેલી ઘટનાઓ અને આગળના રસ્તા અંગે માહિતી આપી હતી.

સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી સહમતીનું સ્વાગત

વાતચીત દરમિયાન, સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી સહમતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાયમી શાંતિ તથા સ્થિરતા માટે સતત પ્રયાસોની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરાયો હતો. બંને નેતાઓએ આ અગાઉ 21 માર્ચે પણ વાતચીત કરી હતી, જેમાં તેમણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સુરક્ષા સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

બંને દેશોએ અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા કરી ચર્ચા

બેઠક બાદ, વિદેશ મંત્રાલયે એક્સ પર જણાવ્યું કે, 'બંને નેતાઓએ સંરક્ષણ, આર્થિક, ફાર્મા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવાના રસ્તાઓ પર ચર્ચા કરી. તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.'

પીએમ મોદીનો સોશિયલ મીડિયા મેસેજ

પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'બિશ્કેકમાં રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત થઈ. અમે ઈરાન સાથે ભારતની જૂની મિત્રતાને વિવિધ ક્ષેત્રોમાં વધુ મજબૂત કરવાના અમારા સંકલ્પને દોહરાવ્યો. અમે આગામી સમયમાં અમારા વેપારનો વ્યાપ વધારવા અને તેમાં વિવિધતા લાવવા માંગીએ છીએ. અમે ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી. ભારત સ્થાયી શાંતિ સુનિશ્ચિત કરવાની દિશામાં કરવામાં આવી રહેલા તમામ પ્રયાસોનું સમર્થન કરવાનું ચાલુ રાખશે.'