India 5th Largest Military Spender: દુનિયાભરમાં સૈન્ય ખર્ચમાં થઈ રહેલા તોતિંગ વધારા વચ્ચે ભારત હવે વિશ્વમાં પાંચમો સૌથી વધુ સંરક્ષણ બજેટ ધરાવતો દેશ બની ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2025માં ભારતે પોતાના સંરક્ષણ ખર્ચમાં 8.9 ટકાનો વધારો કર્યો છે, જેની સાથે ભારતનું કુલ સૈન્ય બજેટ 92.1 અબજ ડૉલર પર પહોંચી ગયું છે.
ભારતની મજબૂત બનતી સૈન્ય શક્તિ
આ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, ત્યારબાદ અનુક્રમે ચીન, રશિયા અને જર્મની આવે છે. મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ટૂંકા પરંતુ તીવ્ર સંઘર્ષને કારણે આ ખર્ચમાં ઉછાળો જોવા મળ્યો છે. ડ્રોન, મિસાઇલ અને લડાકુ વિમાનોના વધતા ઉપયોગને જોતા ભારતે પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની ફરજ પડી હતી.
વૈશ્વિક સંરક્ષણ ખર્ચમાં નવો રેકોર્ડ
ભારતની સાથે પાકિસ્તાને પણ પોતાના સૈન્ય ખર્ચમાં 11 ટકાનો વધારો કરીને તેને 11.9 અબજ ડૉલર સુધી પહોંચાડ્યો છે. પાકિસ્તાને મુખ્યત્વે ચીન પાસેથી નવા વિમાનો અને મિસાઇલોની ખરીદી માટે આ વધારાનો ખર્ચ કર્યો છે. વૈશ્વિક સ્તરે સંરક્ષણ પાછળનો કુલ ખર્ચ રેકોર્ડ 2.89 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે, જેમાં ટોચના પાંચ દેશો જ 58 ટકા હિસ્સો ધરાવે છે. અહેવાલ મુજબ, અમેરિકાના સૈન્ય ખર્ચમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ યુરોપમાં 14 ટકા અને એશિયા-ઓશિનિયા વિસ્તારમાં 8.1 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે 'ગોલ'? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી
ચીનનું સતત વધતું સૈન્ય બજેટ
બીજી તરફ, ચીન સતત 31મા વર્ષે પોતાના સૈન્ય બજેટમાં વધારો કરી રહ્યું છે, જે આ વર્ષે 7.4 ટકા વધીને 336 અબજ ડૉલર પર પહોંચ્યું છે. ચીને સૈન્ય ખરીદીમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું હોવા છતાં તેના આધુનિકીકરણ અને ખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી. સમગ્ર એશિયામાં સંરક્ષણ પાછળનો કુલ ખર્ચ વધીને 681 અબજ ડૉલર થયો છે. દુનિયાભરમાં વધી રહેલી આ સૈન્ય હરીફાઈ અને પ્રાદેશિક તણાવને કારણે વૈશ્વિક સૈન્ય ખર્ચમાં સરેરાશ 3 ટકાનો વધારો જોવા મળ્યો છે.


