India

1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો

By GS TEAM
26 Apr 20262 mins read
1997માં હત્યા કરી, જામીન પર છૂટીને ભાગ્યો, 25 વર્ષે ઝડપાયો

- દિલ્હી પોલીસ શોધતી હતી તેને યુપી પોલીસે સુરક્ષા આપી હતી 

- પોતાને મૃત જાહેર કરી હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેવા લાગ્યો

નવી દિલ્હી : ૩૧ વર્ષ પહેલા એક બાળકની હત્યાના દોષિતને વર્ષો પછી દિલ્હી પોલીસે ઝડપી પાડયો હતો. ૫૪ વર્ષના સલીમ અહેમદ નામના શખ્સને ૧૯૯૭માં તેના સાથી અનીલ સાથે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારાઇ હતી, જોકે તેણે જામીન લઇ લીધા પછી હાજર જ નહોતો થયો અને ફરાર થઇ ગયો હતો.  

સલીમ ૨૦૦૦માં જ ભાગી ગયો હતો અને છેલ્લા ૨૫ વર્ષ સુધી જે પોતાની ઓળખ છુપાવીને રહતો હતો, સલીમે ધરપકડથી બચવા માટે પોતાને સરકારી દસ્તાવેજોમાં મૃત પણ જાહેર કરી દીધો હતો, તે આ દરમિયાન ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં નામ બદલીને રહેતો હતો. એટલુ જ નહીં તેણે મહિલાઓના ગાર્મેન્ટની એક દુકાન પણ ખોલી હતી, જ્યારે લોકોની વચ્ચે પોતાની છાપ સુધારવા માટે પોતે યુટયુબર અને સામાજિક કાર્યકર્તા હોવાનો દાવો પણ કરતો હતો. તાજેતરમાં જ તેના પર હુમલો થયો હતો અને ઉત્તર પ્રદેશ પોલીસે તેને સુરક્ષા પણ પુરી પાડી હતી. દિલ્હી પોલીસે સલીમની શોધખોળ બંધ નહોતી કરી, અચાનક જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને સલીમની જાણકારી મળી હતી, બાદમાં સલીમની વર્તમાન અને ધરપકડ સમયની તસવીરોને સરખાવવામાં આવી હતી. એટલુ જ નહીં તેના ફિંગર પ્રિન્ટની પણ સરખામણી કરવામાં આવી હતી. અંતે સલીમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સલીમ એક સ્કૂલમાં કામ કરતો હતો જ્યાં એક બાળકનું અપહરણ કરી લીધું હતું અને રૂપિયાની માગણી કરી હતી. બાદમાં પોલીસને આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. સલીમ અને તેના સાથી અનીલે ગુનો કબુલી લીધો હતો. કોર્ટે બન્નેને આજીવન કેદની સજા આપી હતી જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ દરમિયાન તે જામીન મેળવવામાં સફળ રહ્યો હતો જોકે જામીનનો સમયગાળો પૂર્ણ થવા છતા તેણે સરેન્ડર નહોતું કર્યું અને અન્ય રાજ્યોમાં નાસતો ફરતો હતો.