જેન-ઝીને મતદાનથી દૂર રાખવા ફોર્મ 6માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુવાનો ૧૦મીએ જંતર મંતર પર આંદોલન કરશે : સીજેપી
- સુપ્રીમની ટિપ્પણીથી જ્ઞાનેશ કુમારનું જુઠ પકડાયું, લોકશાહી પર હુમલો કરી ભાજપને મદદ કરનારા સીઇસી છટકી નહીં શકે : રાહુલ
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા આપમેળે ફોર્મ-૬માં સુધારાને લઇને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ફરી આરોપો લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પરથી સ્પષ્ટ થાય છે કે ફોર્મ-૬ને જ્ઞાનેશ કુમાર દ્વારા ગેરકાયદે ફેરફારો કર્યા હતા. જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી થશે. દરમિયાન કોકરોચ જનતા પાર્ટીએ ૧૦મી ઓક્ટોબરના જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહીની માગ સાથે જંતર મંતરે આંદોલનની જાહેરાત કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ઘેરવા વિપક્ષે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ ૬ ઓક્ટોબરના ચૂંટણી પંચની ઓફિસનો ઘેરાવ કરશે. જે પહેલા દિલ્હીમાં ઇન્દિરા ભવનમાં પક્ષ દ્વારા મોટી બેઠક યોજવામાં આવશે. જે બાદ વિરોધ પ્રદર્શનોના ત્રીજા તબક્કાની પણ જાહેરાત કરાશે. ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં અત્યાર સુધીની સૌથી વિશાળ રેલી યોજવાનું આયોજન પણ કોંગ્રેસે કર્યું છે. બાદમાં ૨૬ નવેમ્બરના બંધારણ દિવસના રોજ ચલો દિલ્હી કાર્યક્રમ હેઠળ દેશના અલગ અલગ હિસ્સામાં છ મોટી રેલીઓ કાઢવામાં આવશે. એટલે કે ઓક્ટોબરથી લઇને નવેમ્બર સુધી આ મામલે વિપક્ષ સરકારને તેમજ ચૂંટણી પંચને ઘેરવાની તૈયારીમાં છે.
સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ પોસ્ટ કરીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે ફોર્મ-૬માં જ્ઞાનેશ કુમારે ગેરકાયદે ફેરફારો કર્યા હતા, જેને લઇને હવે કોઇ જ શંકા નથી. પોતાના પદનો દુરુપયોગ કરીને ભાજપને જ્ઞાનેશ કુમાર મદદ કરી રહ્યા હોવાનો વધુ એક પુરાવો છે. જ્ઞાનેશ કુમાર હોય કે અન્ય કોઇ પણ આપણી લોકશાહી પર હુમલો કરનારાને જવાબદાર ઠેરવવામાં આવશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે પણ જ્ઞાનેશ કુમાર પર જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
જયરામ રમેશે કહ્યું હતું કે ફોર્મ-૬ને લઇને જ્ઞાનેશ કુમાર જુઠ બોલ્યા, જેન-ઝી મતદારોને હટાવવા માટે જ્ઞાનેશ કુમારે ફોર્મ-૬માં ફેરફાર કર્યા હતા કેમ કે પીએમ મોદી જેન-ઝીથી ડરી ગયા છે. ફોર્મ-૬ એ નવા તેમજ જુના બન્ને મતદારો માટે હોય છે, એસઆઇઆર પ્રક્રિયામાં જેમના નામ રદ કરાયા હોય તેમને આ ફોર્મ દ્વારા અરજી કરવાની તક અપાય છે. જોકે તેમાં ઘોષણાપત્ર ઉમેરવામાં આવ્યું હતું, જેમાં માતા પિતાની સરની વિગતો માગવામાં આવી હતી. કોંગ્રેસે કહ્યંુ હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કહેવાથી જ્ઞાનેશ કુમારે બંધારણ સાથે વિશ્વાસઘાત કર્યો છે. વિવાદોથી ઘેરાયેલા ચૂંટણી પંચે સોમવારે ફરી એક નિવેદન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે ચૂંટણી પંચે ફોર્મ-૬માં કોઇ સુધારો કર્યો જ નથી, માત્ર ફોર્મ-૬ની સાથે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.
જ્ઞાનેશ કુમાર સામે વિરોધ વધી રહ્યો છે, કોકરોચ જનતા પાર્ટીએ મુંબઇ બાદ હવે દિલ્હીમાં વિશાળ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું હતું કે લોકોના મનમાંથી હવે એફઆઇઆર અને જેલનો ડર નથી રહ્યો, દિલ્હીનું જંતર મંતર હવે આશા અને જીતનું પ્રતીક બની ગયું છે. ૧૦મી ઓક્ટોબરે દિલ્હીમાં આંદોલન પહેલા અમારી અટકાયત કરી લેવામાં આવશે તો પણ વિરોધ પ્રદર્શન જારી રહેશે. જ્યાં પણ પોલીસ અટકાવશે ત્યાં ધરણા પર બેસી જઇશું.




