- ટૂંક સમયમાં લોકસભાની બેઠકોની સ્થિતિ બદલાઇ શકે છે
- સૌથી મોટી 170 બેઠકોમાંથી 59ને બે હિસ્સામાં જ્યારે 111ને ત્રણ હિસ્સામાં વિભાજીત કરવાનો કેન્દ્રને પ્રસ્તાવ
- વિરોધીઓ માની જાય તો ચોમાસુ સત્ર પહેલા વિશેષ સત્ર બોલાવી સિમાંકન બિલ પર ચર્ચા કરવામાં આવશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સિમાંકન બિલ ૨૦૨૬ને પસાર કરાવવા માટે હાલ પ્રયાસો કરી રહી છે, જુલાઇ મહિનાના બીજા સપ્તાહથી સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થશે જે પહેલા જ કેન્દ્ર સરકાર વિશેષ સત્ર બોલાવીને આ સિમાંકન બિલને પસાર કરવા પુરા પ્રયાસો કરશે તેવા અહેવાલો છે. લોકસભાની બેઠકોમાં ધરખમ ફેરફારો કરનારા આ સિમાંકન બિલને પસાર કરવા માટે પૂર્ણ બહુમત માટે હાલ એનડીએ સક્રિય થઇ ગયું છે.
ભાજપના એક વરીષ્ઠ નેતાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન સિમાંકલ બિલને લોકસભામાં રજુ કરવા અંગે આ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બંધારણના ૧૩૧માં સુધારા એટલે કે સિમાંકન બિલને વહેલા પસાર કરવા પ્રયાસો થઇ રહ્યા છે. જો અમને સંસદમાં જોઇએ એટલી બહુમત મળી જાય તો અમે સિમાંકન બિલને પસાર કરાવવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવીશું. જો વિપક્ષ માગ કરે તો સરકાર બિલમાં ૫૦ ટકા સાથે જોડાયેલ નિયમને પણ સામેલ કરવા સંમત થઇ શકે છે.
ભાજપના આ પદાધિકારીએ વધુમાં કહ્યું છે કે સિમાંકન આયોગ કાયદાના મૂળ ઢાંચામાં કોઇ જ ફેરફાર નથી કરવામાં આવી રહ્યા, તેને જે સ્થિતિમાં છે તે રીતે જ રહેવા દેવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાનની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલે એવી સલાહ આપી છે કે હાલમાં જે પણ લોકસભાની બેઠકો છે તેમાં જ વિભાજન કરી દેવામાં આવે, ૫૯ બેઠકોને બે હિસ્સામાં જ્યારે ૧૧૧ બેઠકોને ત્રણ હિસ્સામાં વિભાજીત કરીને બેઠકોનો વધારો કરવામાં આવે. આ પ્રસ્તાવ મુજબ બે હિસ્સાવાળી ૫૯માંથી ૨૨ બેઠકો તમિલનાડુ ધરાવે છે જ્યારે ત્રણ હિસ્સાવાળી બેઠકોમાં સૌથી વધુ ૧૭ બેઠક યુપી, મહારાષ્ટ્રને ૧૨, બિહારને ૧૦ બેઠકો મળશે. જેને પગલે દક્ષિણની બેઠકો વધશે. તેલંગાણામાં ૧૭થી ૨૬, આંધ્રમાં ૨૫ની ૩૮, કર્ણાટકમાં ૨૮ની ૪૨, તમિલનાડુમાં ૩૯ની ૫૯ અને કેરળમાં ૨૦થી વધીને ૩૦ બેઠકો થઇ શકે છે. જોકે આ પ્રસ્તાવને સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે કે કેમ તેને લઇને કોઇ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. આ પ્રસ્તાવમાં સૌથી મોટી ૧૭૧ બેઠકોને ટાર્ગેટ કરવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી દક્ષીણ રાજ્યોનો વિવાદ શાંત પાડવો શક્ય બની શકે છે.


