India

'હું નીચે નમું એટલે ધક્કો મારી દેજે...' લોહગઢ કિલ્લા પર કેતનની હત્યા માટે મંગેતર સિયાએ રાખ્યો હતો ખતરનાક કોડવર્ડ!

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
પૂણેમાં યુવા બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યાનો ભેદ ઉકેલાયો છે. તેની જ મંગેતર સિયા ગોયલ અને પ્રેમી ચેતન ચૌધરીએ 18 જૂને લોહગઢ કિલ્લા પાસે ખાઈમાં ધક્કો મારી હત્યા કરી હતી. સિયા લગ્ન કરવા તૈયાર ન હોવાથી, 14 જૂને પણ પ્રયાસ કર્યો હતો. કેતનની બહેનની શંકાથી આ ગુનો બહાર આવ્યો. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું નીચે નમું એટલે ધક્કો મારી દેજે...' લોહગઢ કિલ્લા પર કેતનની હત્યા માટે મંગેતર સિયાએ રાખ્યો હતો ખતરનાક કોડવર્ડ!

પૂણેમાં સોશિયલ મીડિયા પર દેખાતી એક પરફેક્ટ લવ સ્ટોરી પાછળ રચાયેલા ભયાનક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. યુવા બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યાના મામલામાં તેની જ મંગેતર સિયા ગોયલ મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ નીકળી છે. સિયાએ આ ગુનાને અકસ્માતનું રૂપ આપવા માટે ખૂબ જ પાકું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ કેતનની બહેનને શંકા જતાં આખો મામલો સામે આવ્યો છે.

'એક ઈશારો' અને કેતનને ખાઈમાં ધકેલાયો

ડીએસપી ગજાનન તોમ્પેના જણાવ્યા અનુસાર, સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પાસે આવેલા વિંચૂ કાટા રિજની એક સુમસામ ખડક પર કેતનને ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો. સિયા અને ચેતન વચ્ચે અગાઉથી જ એક સિગ્નલ નક્કી હતું કે જ્યારે સિયા નીચે બેસીને ઈશારો કરશે, ત્યારે ચેતને કેતનને ધક્કો મારી દેવો. પ્લાન મુજબ સિગ્નલ મળતા જ ચેતને પાછળથી આવી કેતનને ખાઈમાં ધકેલી દીધો અને સિયા ત્યાં અકસ્માત થયો હોવાની બૂમો પાડવા લાગી હતી.

14 જૂને પણ કર્યો હતો મારવાનો પ્રયાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સિયાએ 14 જૂને પણ કેતનને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે પણ તેણે કેતનને ધક્કો માર્યો હતો, પરંતુ કેતન નસીબજોગ એક ઝાડ પકડીને લટકી ગયો અને તેનો જીવ બચી ગયો હતો. આ પ્લાન નિષ્ફળ ગયા પછી સિયાએ 18 જૂને ફરીથી લોહગઢ જવાનો પ્લાન બનાવીને આ વખતે ચેતન સાથે મળીને પોતાના જ મંગેતરને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યાના પ્લાનિંગ માટે સિયા અગાઉ 31 મેના રોજ પણ કેતનને લોહગઢ કિલ્લે લઈ ગઈ હતી.

લોકેશન ટ્રેકિંગથી બચવા ચેતનની ચાલાકી અને સીસીટીવી ફૂટેજ

પોલીસને ગુમરાહ કરવા માટે ચેતને પોતાનો મોબાઈલ ફોન પોતાની દુકાને જ છોડી દીધો હતો અને તે પોતાના એક કર્મચારીનો ફોન લઈને લોહગઢ ગયો હતો જેથી તેનું લોકેશન ટ્રેક ન થઈ શકે. જોકે, કિલ્લાના ટિકિટ કાઉન્ટર પર લાગેલા સીસીટીવી કેમેરામાં ચેતન શોર્ટ્સ અને હુડી પહેરીને કેતન અને સિયાનો પીછો કરતો દેખાયો હતો. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું કે જ્યારે સિયા પાછળ વળીને જોતી, ત્યારે હુડી પહેરેલો ચેતન અચાનક નીચે બેસી જતો હતો.

લગ્ન માટે માનસિક રીતે તૈયાર નહોતી સિયા

સિયા એક બેકરીની માલિક છે જ્યારે ચેતન ડ્રાયફ્રૂટ્સનો વેપાર કરે છે. ગત વર્ષે એક બિઝનેસ મીટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, સિયા પર પરિવાર તરફથી કેતન સાથે લગ્ન કરવાનું ભારે દબાણ હતું, પરંતુ તે આ લગ્ન માટે માનસિક રીતે તૈયાર નહોતી. તેણે કેતનના પરિવારને લગ્ન એક વર્ષ માટે ટાળવા પણ પૂછ્યું હતું. ચેતન સિયા અને કેતનના સંબંધોથી ખુશ નહોતો અને કેતનને પોતાના રસ્તાનો કાંટો માનતો હોવાથી બંનેએ આ હત્યાકાંડ રચ્યો હતો.

પીડિત પરિવારની ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ફાંસીની માંગ

સોશિયલ મીડિયા પર કેતને 19 મેથી જ સિયાના બર્થડેનું કાઉન્ટડાઉન સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું, જેના વીડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યા છે. કેતનના પિતા વિશાલ અગ્રવાલે ભારે હૈયે જણાવ્યું કે, 'અમે અમારા પરિવારનો એકમાત્ર દીકરો ગુમાવી દીધો છે, હવે અમારું કાંઈ બચ્યું નથી.' પરિવારે માંગ કરી છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને હત્યારાઓને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થાય જેથી કેતનની આત્માને શાંતિ મળે.