India

'પુસ્તક આવશે ત્યારે તમાશો તો થશે જ, હવે મારો વારો છે', પુસ્તક રિલીઝ પહેલાં સોનિયા ગાંધીનું મોટું નિવેદન

By GS Team
27 Oct 20263 mins read
TukuTouch Logo
કોંગ્રેસના સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોંગિંગ-અ જર્ની ઑફ લવ' 10 નવેમ્બરે લોન્ચ થશે. તેમણે X પર વીડિયો શેર કરી જણાવ્યું કે, રાજીવ ગાંધી વડાપ્રધાન બને તેવું હું ક્યારેય ઇચ્છતી નહોતી. પુસ્તકમાં અંગત જીવન અને રાજકીય સફરના વણકહ્યા પ્રકરણો ખોલ્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, "જ્યારે આ પુસ્તક આવશે, ત્યારે થોડો તમાશો તો થશે જ."

Summarized by AI; it may make mistakes. Check important info

'પુસ્તક આવશે ત્યારે તમાશો તો થશે જ, હવે મારો વારો છે', પુસ્તક રિલીઝ પહેલાં સોનિયા ગાંધીનું મોટું નિવેદન

Sonia Gandhi Book ‘Belonging A Journey Of Love’ : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીનું નવું પુસ્તક ‘બિલોંગિંગ-અ જર્ની ઑફ લવ’ (Belonging-A Journey of Love) આગામી 10 નવેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ પુસ્તકમાં તેમણે પોતાના અંગત જીવન અને રાજકીય સફરના અનેક વણકહ્યા પ્રકરણો ખોલ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું નવું એકાઉન્ટ શરૂ કર્યા બાદ મંગળવારે એક વીડિયો શેર કરતાં તેમણે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓ તેના સખત વિરોધમાં હતાં. તેમણે કહ્યું કે, ‘હું ક્યારેય નહોતી ઇચ્છતી કે રાજીવ ગાંધી વડાપ્રધાન બને.’

પુસ્તક આવશે ત્યારે થોડો તમાશો તો થશે જ : સોનિયા ગાંધી

પોતાના આ વીડિયો પોસ્ટના કૅપ્શનમાં સોનિયા ગાંધીએ લખ્યું કે, ‘જ્યારે આ પુસ્તક આવશે, ત્યારે થોડો તમાશો તો થશે જ. છેવટે, બીજા લોકોએ દાયકાઓ સુધી મારી કહાની કહી છે, હવે મારો વારો છે.’ વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આખી જિંદગી અન્ય લોકોએ તમારા વિશે લખ્યા બાદ પોતાની વાર્તા જાતે લખવાનો અનુભવ કેવો રહ્યો? ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘મને ખબર નથી કે મારે આખી વાત કહેવી જોઈએ કે નહીં, પરંતુ મને લાગ્યું કે મારા વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે અને તેમાંથી ઘણું બધું સાચું નહોતું. ઘણી બધી વાતો ઉપજાવી કાઢેલી હતી અથવા તો તેને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી હતી. તેથી મને થયું કે હવે હું મારી વાર્તા જાતે લખી શકું છું, જેથી તમામ તથ્યો અને ઘટનાઓ જેવી સાચે જ ઘટી હતી તેવી દુનિયા સમક્ષ લાવી શકાય.’

‘આ મારું વર્ઝન નથી, મારી પોતાની સાચી કહાની’

પોતાના પુસ્તક અંગે વાત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘હું આને મારું કોઈ વર્ઝન નહીં કહું, પરંતુ મારી પોતાની કહાની કહીશ. દરેક લોકોના વિચાર અલગ-અલગ હોય છે. બની શકે કે આ વાંચીને કેટલાક લોકો મારા વિશેનો પોતાનો અભિપ્રાય બદલી નાખે, અથવા એવું પણ બને કે અમુક લોકોનો અભિપ્રાય મારા વિશે વધુ ખરાબ થઈ જાય, પરંતુ જીવનમાં આવું થતું જ હોય છે. જ્યારે તમે કોઈ પુસ્તક લખો છો અથવા જાહેર જીવનમાં હોવ છો ત્યારે આ બધું સ્વાભાવિક છે. એટલે જ જ્યારે આ પુસ્તક બજારમાં આવશે ત્યારે વિવાદ કે તમાશો થવો નક્કી જ છે. દાયકાઓ સુધી અન્યોએ મારી વાત કરી, હવે મારી બોલવાની વારી છે.’

કેમ્બ્રિજના નાનકડા રેસ્ટોરન્ટમાં શરૂ થઈ હતી પ્રેમકહાની

પોતાના એક્સ હેન્ડલ પર શેર કરેલા પ્રથમ વીડિયોમાં સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાત અને પોતાની લવ સ્ટોરીની યાદો પણ તાજી કરી હતી. તેમણે લખ્યું કે, ‘કેમ્બ્રિજના એક નાનકડા ગ્રીક રેસ્ટોરન્ટમાં મારી પ્રેમકહાનીની સફર શરૂ થઈ હતી. રાજીવ અને મેં સાથે મળીને પ્રેમ, હાસ્ય અને મીઠી યાદોથી ભરેલી એક સુંદર દુનિયા બનાવી હતી. 10 નવેમ્બરના રોજ હું મારી એ અંગત દુનિયા આપ સૌ સાથે શેર કરવા જઈ રહી છું.’