India

'હું હૃતિક રોશન જેવો દેખાઉ છું...', કંગના રણૌતના કટાક્ષનો CJP નેતા સૌરવ દાસે આપ્યો જવાબ

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા CJP નેતા સૌરવ દાસ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ ઘેરું બન્યું છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર સૌરવ દાસને નકામા અને બેરોજગાર કહ્યા હતા. જેના જવાબમાં સૌરવ દાસે મજાકમાં કહ્યું કે, કદાચ કંગના તેમને હૃતિક રોશન જેવા દેખાતા હોવાથી નિશાન બનાવી રહી છે. સૌરવે વ્યક્તિગત હુમલા ટાળી સંવાદ પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું હૃતિક રોશન જેવો દેખાઉ છું...', કંગના રણૌતના કટાક્ષનો CJP નેતા સૌરવ દાસે આપ્યો જવાબ

Kangana Ranaut vs Sourav Das: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌત અને સીજેપી (CJP) નેતા તથા પ્રવક્તા સૌરવ દાસ વચ્ચેનો વિવાદ સતત ઘેરો બની રહ્યો છે. તાજેતરમાં કંગનાએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સૌરવ દાસને નકામા અને બેરોજગાર કહ્યા હતા. કંગનાના આ તીખા પ્રહાર બાદ હવે સૌરવ દાસનું વળતું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કંગના પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, 'મારા મિત્રો પણ એ વાતથી હેરાન હતા કે કંગના મને સતત કેમ નિશાનો બનાવી રહી છે.' સૌરવ દાસે મજાકમાં કહ્યું કે, 'મારા એક મિત્રે મને કહ્યું કે કદાચ કંગના મારી પાછળ પડી છે કારણ કે હું થોડો-ઘણો યુવાન હૃતિક રોશન જેવો દેખાઉં છું.'

હૃતિક રોશન સાથેના જૂના વિવાદ તરફ ઈશારો

સૌરવ દાસની આ ટિપ્પણીને કંગના અને હૃતિક રોશન વચ્ચે ભૂતકાળમાં થયેલા ચર્ચિત વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહી છે. વર્ષ 2016માં બોલિવૂડના સૌથી મોટા વિવાદોમાંથી એક એવા આ કિસ્સામાં કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં હૃતિકને 'સિલી એક્સ' કહ્યો હતો. જોકે, હૃતિકે તેમની વચ્ચે કોઈપણ સંબંધ હોવાનો સાફ ઈનકાર કર્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે કાનૂની નોટિસો, જાહેર નિવેદનો અને ઈમેઈલ લીક થવાની ઘટનાઓ બની હતી, જેણે મહિનાઓ સુધી મીડિયામાં ભારે ચર્ચા જગાડી હતી.

વ્યક્તિગત હુમલા ટાળવા અને મર્યાદા જાળવવાની સલાહ

પોતાના પર થયેલા વ્યક્તિગત હુમલાઓ અંગે વાત કરતા સૌરવ દાસે સ્પષ્ટ કર્યું હતું કે તેમના મનમાં કંગના પ્રત્યે કોઈ વ્યક્તિગત દ્વેષ નથી. તેમણે અંગત હુમલા કરવાના બદલે પરસ્પર સંવાદ સાધવા પર ભાર મુકતા કહ્યું હતું કે, 'આ દેશમાં હવે લોકો એકબીજા સાથે વાતચીત અને ચર્ચા કરવાનું ઓછું કરી રહ્યા છે. આપણે એકબીજા સાથે મર્યાદા રાખીને વાત કરવી જોઈએ.'

આ ઉપરાંત, કંગના દ્વારા Gen Z વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે તેમણે કહ્યું કે, 'કંગનાએ પોતાના શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. દેશની ભાવિ પેઢી વિશે બોલતી વખતે માનસિક સ્થિરતા અને સન્માન જાળવવું જરૂરી છે.'

સંવાદ અને વાતચીતમાં વિશ્વાસ

સૌરવ દાસે જણાવ્યું હતું કે, 'જો કંગના મને ક્યારેય કોફી માટે આમંત્રણ આપે છે, તો હું ચોક્કસપણે મળીશ, કારણ કે હું ભાજપના સાંસદ કે સરકારના કોઈ પણ પ્રતિનિધિ પ્રત્યે કોઈ ખરાબ ભાવના રાખતો નથી. હું હંમેશાં સકારાત્મક સંવાદમાં વિશ્વાસ રાખું છું અને કોઈપણ મુદ્દાનો ઉકેલ ચર્ચા દ્વારા જ શક્ય છે.'

શું હતો સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર સૌરવ દાસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 28 વર્ષની ઉંમરે પણ પોતાને સ્ટુડન્ટ ગણાવવા બદલ સૌરવ દાસની મજાક ઉડાવી હતી અને તેમને નકામા તથા બેરોજગાર કહ્યા હતા.

આ ઉપરાંત કંગનાએ એવું પણ કહ્યું હતું કે સૌરવની ઉંમર સુધીમાં તો તે બે નેશનલ એવોર્ડ જીતી ચૂકી હતી. આ સિવાય કંગનાએ Gen Z પ્રોટેસ્ટર્સની આકરી ટીકા કરતા તેમને 'જનરેશન ગટર' કહી દીધા હતા અને તેમના વીડિયોને અત્યંત અસહ્ય ગણાવ્યા હતા.