‘હું મધ્યપ્રદેશના CM પદેથી રાજીનામું આપું છું’ CJPના વડા દીપકેએ પોસ્ટ કરી મચાવ્યો ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhijeet Dipke Sarcastic Resignation: મધ્યપ્રદેશના બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ CJP (કોકરોચ જનતા પાર્ટી) ના સ્થાપક અભિજિત દીપકેએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું છે. તેમણે આરોગ્ય, શિક્ષણ, વીજળી અને અનુસૂચિત જનજાતિ સામેના અપરાધો જેવા મુદ્દા ઉઠાવીને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે લખ્યું કે, 'હું તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું. અંતમાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે, તેમણે મને મધ્ય પ્રદેશની જનતાની સેવા કરવાનો અવસર આપ્યો.'
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર આ રાજીનામાની ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં CJP ના સ્થાપક અભિજિત દીપકેએ એક બનાવટી/વ્યંગ્યાત્મક 'રાજીનામા પત્ર' શેર કરીને મધ્ય પ્રદેશની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી મોહન યાદવ પર નિશાન સાધ્યું હતું.
બાલાઘાટ મુલાકાત બાદ પત્ર કર્યો શેર
દીપકેની આ પોસ્ટ બાલાઘાટ પ્રવાસના એક દિવસ બાદ આવી છે, જ્યાં તેમણે 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. તે સમયે કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે તેમની કાર પાસે પહોંચીને વિરોધ કર્યો હતો અને તીખા સવાલો પૂછ્યા હતા. દીપકેએ X પર જે પત્ર શેર કર્યો તેમાં સરકારી પ્રતિક, મુખ્યમંત્રી કાર્યાલયનું સરનામું અને બોગસ હસ્તાક્ષર પણ હતા. મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને સંબોધિત આ પત્રમાં તેમણે લખ્યું કે, 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ તેમની અંતરાત્મા આ પદ પર બની રહેવાની પરવાનગી આપતી નથી.
પરિવારોને અપાતા વળતર પર ઉઠાવ્યા સવાલ
દીપકેએ પીડિત પરિવારોને આપવામાં આવેલા વળતર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, શરૂઆતમાં બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી હતી, જેને આદિવાસી સમુદાયના વિરોધ બાદ વધારીને ચાર લાખ રૂપિયા કરાયું. તેમણે સવાલ કર્યો કે, જો મૃત્યુ પામનારા બાળકો મંત્રીઓ કે ધારાસભ્યોના હોત તો શું ચાર લાખ રૂપિયાનું વળતર પૂરતું ગણાત?
હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ
બાલાઘાટમાં બૈગા અને ગોંડ આદિવાસી સમુદાયના 30 થી વધુ બાળકોના મોતનો મામલો મધ્ય પ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યો છે. અહેવાલો મુજબ બાળકોના મોત ઓરી અને મલેરિયા જેવા ચેપી રોગોના કારણે થયા હોવાની શંકા છે. હાઈકોર્ટે આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બાલાઘાટ કલેક્ટર પાસે જવાબ માંગ્યો છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે, 50 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં આશરે 400 બાળકોની સારવાર કરવામાં આવી રહી હતી.




