India

VIDEO : નોઇડામાં બિલ્ડિંગમાં ભયાનક આગ, બેના મોત, વાહન ચાર્જિંગ વખતે બની ઘટના, 100ને બચાવાયા

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
નોઇડામાં ઈલેક્ટ્રિક સ્કૂટી ચાર્જિંગમાં મૂકતા બ્લાસ્ટ થતાં પાંચ માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી હતી. આ કરુણ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મદદના આદેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : નોઇડામાં બિલ્ડિંગમાં ભયાનક આગ, બેના મોત, વાહન ચાર્જિંગ વખતે બની ઘટના, 100ને બચાવાયા

Noida Building Fire : ઉત્તર પ્રદેશના નોઇડામાં વાહન ચાર્જિંગ વખતે બ્લાસ્ટ થતા પાંચ માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી છે. બિલ્ડિંગમાં કુલ 50 પરિવારો રહે છે. આ કરુણ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં કુલ 100થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ બાજુની બિલ્ડિંગમાં સીડીનો સહારો લઈને અનેક લોકોના જીવ બચાવ્યા છે.

ઈલેક્ટ્રિક સ્કૂટીમાં ચાર્જિંગ વખતે લાગી આગ

પ્રાથમિક અહેવાલો મુજબ, નોઇડા સેક્ટર 66ના મામૂરા ગામમાં આવેલી એક પાંચ માળની બિલ્ડિંગમાં બુધવારે બપોરે આગ લાગી હતી. બિલ્ડિંગના પહેલા માળે પાર્કિંગમાં ઈલેક્ટ્રિક સ્કૂટી ચાર્જિંગમાં મૂકેલી હતી, જેમાં સ્પાર્ક થતાં વિસ્ફોટ થયો હતો અને જોતજોતામાં આખી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બિલ્ડિંગના લોકો જીવ બચાવવા માટે વાંસની સીડીના સહારે બીજી બિલ્ડિંગમાં જતાં જોવા મળી રહ્યા છે. ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની અને એક યુવતી તેમજ એક બાળક ગંભીર રીતે દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે.

સીડીના સહારે બીજા બિલ્ડિંગમાં પહોંચી જીવ બચાવ્યો

આગની ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરેલા અનેક વાહનો પણ સળગીને ખાખ થઈ ગયા છે. પાર્કિંગમાં ઘટના બની હોવાથી આગ અને તેનો ધુમાડો બિલ્ડિંગના સીડીવાળા ભાગ સુધી પહોંચી ગયા હતા, જેના કારણે લોકો નીચે ઉતરી શક્યા નહોતા અને જીવ બચાવવા ઉપર તરફ ભાગ્યા હતા. ત્યાંથી તેઓ સીડીના સહારે જીવના જોખમે બાજુની બિલ્ડિંગની બાલ્કનીમાં પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને 100થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ગૂંગળામણના કારણે બે લોકોના મોત

પાર્કિંગમાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં અને તેનો ઝેરી ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના કારણે બે લોકો ગૂંગળાઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની તાત્કાલિક નોંધ લઈને પીડિતોને તમામ શક્ય મદદ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તહેનાત કરી દેવાઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પાર્કિંગમાં અનેક વાહનો સળગ્યા, સંચાલકની ધરપકડ

નોઈડા સેન્ટ્રલના ડીસીપી શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે, ‘એક રહેણાંક બિલ્ડિંગના પ્રથમ માળે એક ઈવી સ્કૂટી ચાર્જિંગમાં હતી, જેમાં સ્પાર્કિંગ થવાના કારણે આગ લાગી ગઈ હતી. ત્યારબાદ આગ આસપાસ પાર્ક કરેલી અન્ય ગાડીઓ સુધી પહોંચી ગઈ હતી અને તેનો ધુમાડો ઉપરના માળે રહેતા લોકોના ઘરો સુધી પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. લગભગ 100થી વધુ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડિંગના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.’