Get The App

VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત 1 - image

Himachal Tragic Accident: હિમાચલ પ્રદેશના ચિંતપૂર્ણી વિસ્તારમાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં પંજાબના બે શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે. આ અકસ્માત ઉના જિલ્લાના ભરવાઈં વિસ્તારમાં તે સમયે થયો જ્યારે એક કાર આશરે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી અને તેમાં આગ લાગી ગઈ. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે કોઈ બોલીવુડ ફિલ્મમાં સ્ટંટ સીન જેવો લાગી રહ્યો છે. એક પૂરઝડપે આવતી કાર પહાડી રસ્તા પર સીધી ઊંડી ખીણમાં જઈ પડી. આ દરમિયાન કારની ઝડપ જરા પણ ઓછી થતી દેખીણ ન હતી. એવું લાગી રહ્યું છે કે જાણે ડ્રાઈવર કોઈ ફિલ્મનો ખતરનાક સ્ટંટ કરી રહ્યો હોય.

હવામાં ઉછળી કાર અને પછી ખીણમાં પડી

અકસ્માતના સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરઝડપે આવતી કાર હવામાં ઉછળી અને પછી સીધી ખીણમાં જઈ પડી. 200 ફૂટ ઊંડી ખીણમાં પડેલી લુધિયાણા પાસિંગની આ કાર ચિંતપૂર્ણી દર્શન કરીને મુબારકપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ટાયર ફાટવાના કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેનાથી કાર સીધી ઊંડી ખીણમાં ખાબકી હતી. નીચે પડ્યા બાદ કારમાં આગ લાગી ગઈ અને તેમાં સવાર બંને લોકો જીવતા ભૂંજાઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો પંજાબથી આવેલા શ્રદ્ધાળુઓ હતા, જેઓ ચિંતપૂર્ણી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

ખીણમાં પડ્યા બાદ કારમાં લાગી આગ

ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કારને હવામાં ઉછળતી અને ખીણમાં પડતી જોઈ શકાય છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

અકસ્માત થયો તે એક બ્લેક સ્પોટ!

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે જગ્યાએ અકસ્માત થયો તે એક બ્લેક સ્પોટ છે, જ્યાં રોડનો કેટલોક હિસ્સો તૂટેલો છે અને નીચે ઊંડી ખીણ છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ટાયર ફાટવું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને એક મૃતકની ઓળખ થઈ ચૂકી છે તેનું નામ પંકુ છે, જ્યારે અન્ય એક મૃતકની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO : જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 4ના મૃતદેહ મળ્યા

'મને મારો ભાઈ કાંધ આપશે': મૃતક પંકુએ શેર કરી હતી પોસ્ટ

મહત્વનું છે કે મૃતકોમાં પંકુ લુધિયાણાના ગોપાલ નગર ટિબ્બા રોડમાં રહેતો હતો, તે તેના મિત્ર સાથે ચિંતપૂર્ણી માતા મંદિરે માથું ટેકાવવા ગયો હતો. તેને અકસ્માતના એક કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે જેમાં લખ્યું હતું કે, 'એક દિવસ હું મરી જઈશ, અને મને મારો ભાઈ કાંધ આપશે..'