Get The App

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઈ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
Himachal Entry Tax Hike
(IMAGE - IANS)

Himachal Entry Tax Hike: આર્થિક સંકટનો સામનો કરી રહેલી હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખુ સરકારે રાજ્યની આવક વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે અન્ય રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશમાં પ્રવેશતા વાહનો પર લેવામાં આવતા એન્ટ્રી ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. સરકારની નવી બેરિયર નીતિ મુજબ, ટેક્સના દરમાં અઢી ગણા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી અમલી બનશે. જોકે, હિમાચલ પાસિંગ ધરાવતા વાહનોને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કેવો રહેશે નવો ટેક્સ સ્લેબ?

નવા નિયમો મુજબ, પ્રવાસીઓ અને વ્યાપારી વાહનો પર નીચે મુજબનો બોજ વધશે.

- સામાન્ય વાહનો: પહેલા 70 રૂપિયા લેવાતા હતા, જે હવે વધારીને 170 રૂપિયા કરી દેવાયા છે.

- હેવી વાહનો(ટ્રક વગેરે): ટેક્સ 720 રૂપિયાથી વધારીને 900 રૂપિયા કરવામાં આવ્યો છે.

- જેસીબી અને કન્સ્ટ્રક્શન મશીનરી: 570 રૂપિયાથી વધારીને 800 રૂપિયા કરાયો છે.

- ટ્રેક્ટર: એન્ટ્રી ફી 70 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરવામાં આવી છે.

- ડબલ એક્સલ બસ અને ટ્રક: આમાં કોઈ ફેરફાર કરાયો નથી, તેનો દર 570 રૂપિયા યથાવત્ રાખવામાં આવ્યો છે.

55 બેરિયર પર લાગુ થશે ફાસ્ટેગ

હિમાચલ પ્રદેશના કુલ 55 એન્ટ્રી પોઇન્ટ્સ પર આ નવા રેટ્સ લાગુ થશે. આ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સરકાર હવે બેરિયર પર ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે જે હરાજી અને કોન્ટ્રાક્ટની પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

આ પણ વાંચો: રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર!

કેમ લેવો પડ્યો આ નિર્ણય?

હિમાચલ પ્રદેશ હાલમાં ગંભીર આર્થિક દબાણ હેઠળ છે. સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને રાજ્યના વિકાસ કાર્યો માટે વધુ નાણાંની જરૂરિયાત હોવાથી સરકારે આવકના નવા સ્ત્રોત શોધવા પર ભાર મૂક્યો છે. સરકારને આશા છે કે આ ટેક્સ વધારાથી રાજ્યની તિજોરીમાં મોટું ભંડોળ જમા થશે.

પર્યટન પર શું થશે અસર?

હિમાચલ પ્રદેશ પ્રવાસીઓનું માનીતું સ્થળ હોવાથી દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાતે આવે છે. એન્ટ્રી ફીમાં વધારો થવાથી પ્રવાસીઓના ખર્ચમાં થોડો વધારો થશે. જોકે અધિકારીઓ આ રકમને નજીવી ગણાવી રહ્યા છે, પરંતુ પર્યટન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે જો પ્રવાસીઓ પર વધુ આર્થિક બોજ નાખવામાં આવશે, તો તેઓ પડોશી રાજ્યો(જેમ કે ઉત્તરાખંડ) તરફ વળી શકે છે.

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઈ 2 - image