દેશના 18 રાજ્યોમાં 6 દિવસનું હવામાન વિભાગનું એલર્ટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Weather Forecast : દેશમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીઓને કારણે 14 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ચોમાસુ ધરી સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણ તરફ સરકી છે અને મધ્ય પ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ કોંકણ અને નજીકના અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાથી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કોંકણમાં વરસાદી માહોલ જળવાઈ રહી શકે છે. હવામાન વિભાગે માછીમારોને ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.
ગુજરાત: લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો દોર ચાલુ રહેશે
દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર વિદર્ભની આસપાસ બનેલું લો પ્રેશર ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ તેમજ અરબી સમુદ્ર પરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે સારો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
દિલ્હી-NCR: 14થી 17 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની શક્યતા
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઈડા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહન વ્યવહાર ધીમો પડવાની સમસ્યા સર્જાઈ શકે છે.
ઉત્તર પ્રદેશ: આવતીકાલે વરસાદનું અનુમાન
ઉત્તર પ્રદેશમાં 14 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને પશ્ચિમી અને મધ્ય ઉત્તર પ્રદેશમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
બિહાર : બે દિવસ વરસાદની શક્યતા
બિહારમાં 14 અને 15 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ત્યાર બાદ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. પટના, ગયા, મુઝફ્ફરપુર, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, દરભંગા, મધુબની, સુપૌલ, પૂર્ણિયા અને કટિહાર સહિતના વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે.
ઝારખંડ અને પશ્ચિમ બંગાળ : છ દિવસ વરસાદની આગાહી
ઝારખંડમાં 14 થી 19 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિલસિલો જળવાઈ રહેશે. અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ અને વરસાદ જોવા મળી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 14 થી 19 સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદની આગાહી છે. ઉત્તર ભાગમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ગંગાના મેદાની વિસ્તારોમાં પણ 14 અને 15 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા છે.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બે દિવસની વકી
રાજસ્થાનમાં 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વીય ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ સિસ્ટમની અસરથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મધ્ય પ્રદેશ પર બનેલી સિસ્ટમના કારણે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 14 અને 15 સપ્ટેમ્બરે વ્યાપક વરસાદ અને ગાજવીજની શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. પૂર્વીય મધ્ય પ્રદેશમાં પણ વરસાદની અસર રહેશે અને અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ થઈ શકે છે.
પંજાબ અને હરિયાણા : ગાજવીજ સાથે વરસાદની શક્યતા
પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં 14 થી 17 સપ્ટેમ્બર વચ્ચે વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં વરસાદની અસર રહેશે.
ઉત્તરાખંડ : પર્વતીય વિસ્તારોમાં મુશ્કેલી વધવાની શક્યતા
ઉત્તરાખંડમાં 14 સપ્ટેમ્બરથી વરસાદનો દોર ચાલુ રહી શકે છે. આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાનું જોખમ વધી શકે છે.
હિમાચલ પ્રદેશ : ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના
હિમાચલ પ્રદેશમાં 14 સપ્ટેમ્બરે વરસાદની અસર જોવા મળી શકે છે. કિન્નૌર, મંડી, ચંબા, ઉના, હમીરપુર, સોલન, બિલાસપુર અને કાંગડા જેવા જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પર્વતીય વિસ્તારોમાં અચાનક હવામાન બદલાવાથી મુશ્કેલી વધી શકે છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ : 15થી 17 દરમિયાન વરસાદ
જમ્મુ-કાશ્મીરમાં 14 સપ્ટેમ્બરે હવામાનમાં બદલાવની શરૂઆત થઈ શકે છે, જ્યારે 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદ અને ગાજવીજની શક્યતા છે. લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં પણ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ અને ગાજવીજની અસર રહેવાનો અંદાજ છે.
પૂર્વોત્તર રાજ્યો : 14થી 17 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની શક્યતા
પૂર્વોત્તર ભારતમાં 14 સપ્ટેમ્બરે પણ વરસાદનો સિલસિલો તેજ રહી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 14 થી 17 સપ્ટેમ્બર સુધી વ્યાપક વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદનો દોર ચાલુ રહી શકે છે. પહાડી અને નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદથી પાણી ભરાવા અને ભૂસ્ખલનની સમસ્યા વધી શકે છે.
દક્ષિણ ભારત : અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
દક્ષિણ ભારતમાં 14 સપ્ટેમ્બરે અનેક સ્થળોએ હવામાન સક્રિય રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 14 થી 17 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઝાપટાં દરમિયાન પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તમિલનાડુમાં 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેરળમાં 14 થી 16 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ 14 સપ્ટેમ્બરથી વરસાદનો દોર રહેશે. તટીય આંધ્ર અને રાયલસીમામાં તેજ સપાટી પવનોની અસર રહી શકે છે. માછીમારોને ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.




