India

બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર: 7 સપ્ટેમ્બરે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી

By GS Team
6 Sep 20263 mins read
TukuTouch Logo
ગંગાના મેદાની વિસ્તારોમાં સક્રિય થયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદનું જોખમ છે. હવામાન વિભાગે દિલ્હી-NCR, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ભૂસ્ખલન અને જળભરાવની ચેતવણી અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર: 7 સપ્ટેમ્બરે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી

India Weather Update : ગંગાના મેદાની વિસ્તારોમાં આવેલા પશ્ચિમ બંગાળ, ઉત્તર તટીય ઓડિશા અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર એક મજબૂત વેલ-માર્ક્ડ લો-પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમના કારણે નીચલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યંત મજબૂત બન્યું છે, જેના લીધે દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદનું જોખમ ઊભું થયું છે. હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતાને જોતાં કેટલાક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-ગુરુગ્રામથી લઈને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં 60 થી 70 કિમી/કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. મુશળધાર વરસાદ અને ભારે પવનના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીઓમાં જળસ્તર વધવાની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હી-એનસીઆરમાં પાણી ભરાવાની શક્યતા, ઓરેન્જ એલર્ટ

રાજધાની દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં 7 સપ્ટેમ્બરે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં ભારે વરસાદ સાથે 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ભારે ટ્રાફિક જામ સર્જાઈ શકે છે. દિલ્હીમાં આગામી 10 દિવસ સુધી અણધાર્યા વરસાદનો દોર ચાલુ રહી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ઉત્તરાખંડમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ

દેહરાદૂન, નૈનીતાલ, મસૂરી, ઋષિકેશ, ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડનું જોખમ ઘણું વધી ગયું છે. દેહરાદૂનમાં 7 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનનું જોખમ

હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, મંડી, કુલ્લુ, કાંગડા, ચંબા અને સોલનમાં 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું એલર્ટ છે. મનાલીમાં મહત્તમ તાપમાન 14 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના જમ્મુ, ઉધમપુર, રામબન, અનંતનાગ અને શ્રીનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જ્યાં સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાઈ શકે છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશના મેરઠ, મુરાદાબાદ, ગાઝિયાબાદ, આગ્રા, મથુરા, બરેલી, કાનપુર, લખનૌ, પ્રયાગરાજ, વારાણસી અને ગોરખપુર સહિત પશ્ચિમ અને પૂર્વ યુપીના જિલ્લાઓમાં 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની ચેતવણી છે. લખનૌમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર, ભાગલપુર, પૂર્ણિયા સહિત મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ અને 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. પટનામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે પવન ફૂંકાશે

પંજાબ અને હરિયાણાના પઠાણકોટ, જલંધર, લુધિયાણા, પટિયાલા, અંબાલા, હિસાર અને કરનાલમાં 60 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી છે. રાજસ્થાનના જયપુર, કોટા, ઉદયપુર, ભરતપુર, અજમેર અને અલવર સહિત પૂર્વી રાજસ્થાનમાં વરસાદ અને ભારે પવનનું એલર્ટ છે. જયપુરમાં 7 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ

મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, જબલપુર, ઉજ્જૈન અને રીવામાં ગાજવીજ સાથે 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મુશળધાર વરસાદ પડશે. ભોપાલમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ઝારખંડના રાંચી, જમશેદપુર, ધનબાદ અને બોકારોમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદનું એલર્ટ છે, જ્યાં રાંચીમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ 22 ડિગ્રી રહેશે. પશ્ચિમ બંગાળમાં લો-પ્રેશરની સીધી અસરથી કોલકાતા, હાવડા, બીરભૂમ, મુર્શિદાબાદ અને સિલીગુડીમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. કોલકાતામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.