India

દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ: હવામાન વિભાગે જાહેર કરી લેટેસ્ટ આગાહી

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
IMD એ દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ આપ્યું છે. ઉત્તર ભારતમાં ઉમસ(ઉકળાટ) અને તડકો યથાવત્ છે, જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં મેઘરાજા મૂશળધાર વરસી રહ્યા છે. દિલ્હી-NCRમાં હાલ ભારે વરસાદની શક્યતા નથી. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 19થી 21 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે. ઓડિશામાં રથયાત્રા દરમિયાન ભારે વરસાદની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું ઍલર્ટ: હવામાન વિભાગે જાહેર કરી લેટેસ્ટ આગાહી

IMD Monsoon Forecast : દેશભરમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડતાં ઉત્તર ભારતના અનેક ભાગોમાં લોકોને ફરીથી અસહ્ય ઉમસ(ઉકળાટ) અને તડકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, બીજી તરફ પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં મેઘરાજા મૂશળધાર વરસી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી સમય માટે દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હી-એનસીઆરમાં કેવું રહેશે હવામાન?

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સવારના સમયે હળવા વરસાદી ઝાપટાં પડ્યા બાદ બપોરે ફરીથી આકરો બફારો શરૂ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'આગામી સમયમાં પણ દિલ્હી-એનસીઆરમાં હવામાનનો મિજાજ આવો જ રહેશે અને હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી.' 16 જુલાઈએ અહીં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

image.png

પંજાબ, હરિયાણા અને યુપીમાં વરસાદી માહોલ

પંજાબ અને હરિયાણાના વિવિધ વિસ્તારોમાં તેજ પવન અને વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, પંજાબમાં 19 જુલાઈ સુધી અને હરિયાણા તેમજ ચંદીગઢમાં 20 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જેમાં પશ્ચિમી યુપીમાં 17 જુલાઈ સુધી અને પૂર્વી યુપીમાં 21 જુલાઈ સુધી વરસાદ પડવાના અણસાર છે.

image.png

બિહાર, ઝારખંડ અને બંગાળ માટે ભારે ચેતવણી

પૂર્વ ભારતના રાજ્યોમાં ચોમાસું પુરેપુરી ગતિમાં છે. હવામાન વિભાગે બિહારમાં 20 જુલાઈ સુધી અને પશ્ચિમ બંગાળમાં 21 જુલાઈ સુધી ભારે વરસાદનું ઍલર્ટ આપ્યું છે. બીજી તરફ, ઝારખંડમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી 54 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે રાજ્ય સરકાર ચિંતામાં મૂકાઈ છે અને ખેડૂતોને મદદ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પુરી રથયાત્રા પર લો-પ્રેશરની અસર

ઓડિશાની તીર્થનગરી પુરીમાં 16 જુલાઈએ જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે. આ જ સમયે હવામાન વિભાગે મોટી ચેતવણી આપતાં જણાવ્યું છે કે, 'આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને તેની આસપાસના બાંગ્લાદેશ દરિયાકાંઠે હવાનું હળવું દબાણ (લો-પ્રેશર) સર્જાઈ શકે છે.' આ કારણે રથયાત્રા દરમિયાન પુરી સહિત ઓડિશાના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબકવાની આશંકા છે.

ગુજરાત સહિત અન્ય રાજ્યોની સ્થિતિ

પહાડી રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના 8 રાજ્યો - સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું ઍલર્ટ અપાયું છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન તેમજ કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે.