India

હિમાચલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: કડૂ નાલા પાસે પહાડ તૂટી પડતાં ટેક્સી દટાઈ, 13 લોકોના કરૂણ મોત

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
હિમાચલના લાહૌલ-સ્પિતિમાં શુક્રવારે ભયાનક ભૂસ્ખલન થયું. ઉદયપુર-કિલાડ રોડ પર કડૂ નાળા પાસે પહાડ ધસી પડતાં કુલ્લુથી પાંગી જતી ટાટા સુમો ટૅક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે, જેમાં 6 મહિનાનું બાળક પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વાહનમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી 1 ઘાયલને બચાવી લેવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમાચલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: કડૂ નાલા પાસે પહાડ તૂટી પડતાં ટેક્સી દટાઈ, 13 લોકોના કરૂણ મોત

Lahaul Spiti Landslide: હિમાચલ પ્રદેશના જનજાતિ વિસ્તાર લાહૌલ-સ્પિતિમાં શુક્રવારે ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. ઉદયપુર-કિલાડ રોડ પર આવેલા કડૂ નાળા નજીક અચાનક પહાડનો મોટો ભાગ તૂટી પડતાં કુલ્લુથી પાંગી જઈ રહેલી ટાટા સુમો ટૅક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયાં હોવાનું લાહૌલ-સ્પિતિનાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ શિવાણી મહલાએ પુષ્ટિ કરી છે.

વિશાળ પહાળ ધસી પડતા વાહન ઝપેટમાં આવ્યું

માહિતી અનુસાર, ઉદયપુર-કિલાડ રોડ એક દિવસ પહેલાં ભૂસ્ખલનને કારણે બંધ હતો. માર્ગ બંધ હોવાથી ટૅક્સીમાં મુસાફરી કરતા લોકો તિંદીમાં રોકાયા હતા. શુક્રવારે રસ્તો ખુલ્યા બાદ તેઓ પાંગી તરફ રવાના થયા હતા. જોકે, કડૂ નાળા પાસે પહોંચતાં જ પહાડનો વિશાળ ભાગ ધસી પડ્યો અને આખું વાહન તેની ઝપેટમાં આવી ગયું.

એક ઘાયલને જીવિત બહાર કઢાયો

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત-બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. કાટમાળમાંથી એક ઘાયલને જીવિત બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય મુસાફરોને શોધવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.

વાહનમાં કુલ 15 લોકો સવાર હતા

ભરમૌરના MLA ડૉ. જનક રાજે દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ વાહનમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી 13નાં મોત થયાં છે. મૃતકોમાં છ મહિનાનું એક માસૂમ બાળક પણ સામેલ હોવાનું તેમણે જણાવ્યું. બે લોકો બચી ગયા હોવાની માહિતી રાહતરૂપ હોવાનું પણ તેમણે કહ્યું.

વધતી ભૂસ્ખલનની ઘટનાઓથી સાવચેતી

ડૉ. જનક રાજે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ સતત ચંબા અને લાહૌલ-સ્પિતિ જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે અને રાહત-બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. સતત વરસાદ અને વધતી ભૂસ્ખલનની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લોકોને પ્રવાસ પહેલાં હવામાન અને રસ્તાની સ્થિતિની માહિતી મેળવવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.