Haryana Crime News: હરિયાણાના હિસારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના બની છે. ધાની શ્યામલાલ વિસ્તારમાં કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ગાળાગાળીનો વિરોધ કરવા બદલ હરિયાણા પોલીસના સબ-ઇન્સ્પેક્ટર રમેશ કુમારની ઈંટો અને લાકડીઓ વડે માર મારીને હત્યા કરવામાં આવી છે.
મૃતક પોલીસ અધિકારી આવતા વર્ષે નિવૃત્ત થવાના હતા
મળતી માહિતી અનુસાર, મૃતક સબ-ઇન્સ્પેક્ટર રમેશ કુમાર છેલ્લા 10 વર્ષથી એડીજીપી (ADGP)ની ઓફિસમાં ફરજ બજાવી રહ્યા હતા અને આવતા વર્ષે જાન્યુઆરી 2026માં નિવૃત્ત થવાના હતા. તે ધાની શ્યામલાલની શેરી નંબર 3માં પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગુરુવારે (છઠ્ઠી નવેમ્બર) રાત્રે લગભગ 10:30 વાગ્યે કેટલાક યુવાનો તેમની શેરીમાં હોબાળો કરી રહ્યા હતા અને ગાળો બોલી રહ્યા હતા.
હોબાળો વધતા રમેશ કુમાર પોતાના ઘરની બહાર આવ્યા અને યુવાનોને શાંતિ રાખવા અને હોબાળો ન કરવા સમજાવ્યા. યુવાનો તે સમયે ત્યાંથી ચાલ્યા ગયા હતા, પરંતુ લગભગ એક કલાક પછી તેઓ કાર અને ટુ-વ્હીલર પર પાછા ફર્યા.
હુમલાખોરોએ ઘર સામે જ હત્યા કરી
પાછા ફરેલા હુમલાખોરોએ રમેશ કુમારના ઘરની સામે જ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. જ્યારે રમેશે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે યુવાનોએ ઉશ્કેરાઈ જઈને લાકડીઓ અને ઈંટોથી તેમના પર જીવલેણ હુમલો કર્યો.
ગંભીર ઈજા થતાં રમેશ કુમાર ત્યાં જ નીચે પડી ગયા. ચીસો સાંભળીને પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હુમલાખોરોનો પીછો કર્યો, પરંતુ તેઓ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા.
પોલીસ કાર્યવાહી અને ધરપકડના પ્રયાસો
ઘટનાની માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિસાર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. નવી સબઝી મંડી ચોકીના ઈન્ચાર્જ રાજબાલાએ જણાવ્યું હતું કે, 'પરિવારના સભ્યોના નિવેદનોના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ પોલીસ ટીમો દરોડા પાડી રહી છે. આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.'


