પહલગામ આતંકી હુમલા પાછળ હાફિઝ સઈદનો હાથ, NIAએ ચાર્જશીટમાં ખોલી પાકિસ્તાનની પોલ

Pahalgam Terror Attack : રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ પહલગામ આતંકી હુમલા મામલે પાકિસ્તાની પોલ ખોલી છે. એજન્સીએ પાકિસ્તાનમાં બેઠેલા આતંકી અને લશ્કર-એ-તૈયબા (LeT)ના વડા હાફિઝ સઈદ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ મામલો 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક પહેલગામ આતંકી હુમલા સાથે જોડાયેલો છે, જેમાં 25 પ્રવાસીઓ અને 1 સ્થાનિક નાગરિક સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો ગંભીર આક્ષેપ
એનઆઈએના જણાવ્યા અનુસાર, હાફિઝ સઈદ (Hafiz Saeed) પર વ્યક્તિગત રીતે અને પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા તેમજ તેના પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)ના વડા તરીકે ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ આતંકી સઈદ પર ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 અને યુએપીએ (UAPA)-1967ની ગંભીર ધારાઓ લગાવી છે. તેના પર સરહદ પારથી કાવતરું રચીને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાની કાવતરાના મજબૂત પુરાવા
આ સપ્લીમેન્ટરી ચાર્જશીટ અગાઉ રજૂ કરાયેલી 1597 પાનાની મુખ્ય ચાર્જશીટનો જ એક ભાગ છે. તેમાં પાકિસ્તાન તરફથી રચાયેલા કાવતરા, હુમલામાં હાફિઝ સઈદની સીધી ભૂમિકા અને એનઆઈએની તપાસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા મજબૂત પુરાવાઓની સંપૂર્ણ વિગતો સામેલ કરવામાં આવી છે.
અગાઉના આતંકીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી
એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવી ચાર્જશીટ અગાઉની તપાસને વધુ મજબૂત બનાવે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન સ્થિત હેન્ડલર સાજિદ જટ્ટ વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ સિવાય, જુલાઈ 2025માં 'ઓપરેશન મહાદેવ' દરમિયાન સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલા 3 આતંકીઓ અને હાલમાં ધરપકડ કરાયેલા 2 આરોપીઓ પર પણ આરોપો નક્કી થઈ ચૂક્યા છે. લશ્કર અને ટીઆરએફ સંગઠનોએ જ આ હુમલાનું આખું પ્લાનિંગ કર્યું હતું.









