‘આ મા-બાપના પૈસે આઝાદી ભોગવતી ગટર જનરેશન છે...’ Gen Z યુવતીઓ વિશે કંગના રણૌતના નિવેદનથી હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kangana Generation Gutter Remark for Gen-Z: ભાજપ સાંસદ કંગના રણૌતે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલી પ્રદર્શનકારીઓનને 'ગટર જનરેશન' ગણાવતા હોબાળો સર્જાયો છે. કંગના રણૌતે સોશિયલ મીડિયા સ્ટોરી શેર કરીને આજની પેઢી પર આકરા પ્રહાર કર્યા છે. જો કે, આ નિવેદનો બદલ તેમણે ભારે વિરોધ અને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.
હું આ લોકોને ગટર જનરેશન કહું છુંઃ કંગના રણૌત
અભિનેત્રી અને સાંસદે પોતાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી પોસ્ટ શેર કરીને આજના યુવાનોની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
તેમણે લખ્યું છે કે, 'સૌથી વધુ આઘાતજનક વર્તન એ યુવાન હિંદુ યુવતીઓનું છે, જેઓ પોતે સ્વતંત્રતા મેળવ્યા કે કમાયા વિના જ આત્મનિર્ભર કરિયર વિમેનની નકલ કરવા માંગે છે. જે મહિલાઓ વાસ્તવમાં આત્મનિર્ભર છે, તેઓ બોલ્ડ વિચારો રાખે છે, બળવાખોર નિર્ણયો લે છે, અપ્રચલિત કરિયરના વિકલ્પો પસંદ કરે છે અને પોતાના દરેક કામની જવાબદારી જાતે સ્વીકારે છે.'
તેમણે આગળ ઉમેર્યું કે, 'આત્મનિર્ભર મહિલાઓએ આ બધું એટલા માટે કરવું પડે છે કારણ કે તેઓ પોતાના દમ પર જીવે છે, પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે નહીં. પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત કહેવાતી ભારતીય મહિલાઓની આ એક નવી પેઢી તૈયાર થઈ છે, જેને હું 'જનરેશન ગટર' કહું છું.'

'આવો વ્યવહાર ક્યાંથી શીખી રહ્યા છે લોકો?': સંસ્કાર પર ઉઠાવ્યા સવાલ
કંગના રણૌતે પ્રદર્શનકારીઓના ઉછેર અને સંસ્કારો પર સવાલો ઉઠાવતા લખ્યું કે, મેં જીવનમાં ક્યારેય આટલું અજીબ અને ભદ્દુ વર્તન નથી જોયું. જનરેશન-ઝેડ (Gen-Z) દ્વારા વાપરવામાં આવી રહેલી ભાષા અત્યંત અસભ્ય છે. તેમણે સવાલ કર્યો કે આ લોકોને કોણે જન્મ આપ્યો છે અને કોણ ઉછેરી રહ્યું છે? ભારત હંમેશાથી પોતાની સંસ્કૃતિ અને શાલીનતા માટે જાણીતું છે, પરંતુ આવા વર્તનથી દેશની ગરિમાને નુકસાન પહોંચે છે. સોશિયલ મીડિયા પર આ બધું જોઈને તેઓ માનસિક રીતે પરેશાન થયા છે અને હવે ડિજિટલ ડિટોક્સ કરવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે.

માતા-પિતાની કમાણી પર શરમ વિના નભે છે
કોકરોચ પાર્ટીએ જંતર મંતર પર શરૂ કરેલા આંદોલનનો કંગના રણૌતે શરૂઆતથી જ આક્રમક વિરોધ કર્યો હતો. ખાસ કરીને યુવતીઓની આક્રમક ટીકા કરી છે. આ સાથે જ તેણે માતા-પિતાની કમાણી પર જીવતા યુવાનોની પણ ટીકા કરી છે. આ અંગે સાંસદે લખ્યું હતું કે, 'આ આંદોલનકારીઓમાંથી કોઈ પાસે સિસ્ટમને આપવા માટે કંઈ નથી; તેઓ ભણવામાં સારા નથી, પરંતુ ઘર સંભાળવા (ગૃહિણી બનવા) માટે પણ સારા નથી. આમ છતાં, તેઓ ડ્રગ્સ લેવાની, દારૂ પીવાની કે અસંખ્ય લોકો સાથે શારીરિક સંબંધો રાખવાની પોતાની સ્વતંત્રતાનો બેશરમીથી દેખાડો કરે છે અને શરમ વગર પોતાના માતા-પિતાની કમાણી પર નભે છે.'
જવાબદારી વિનાનું મુક્ત જીવન 'ગટર છાપ' છે
કંગના આટલેથી અટક્યા ન હતા. તેમણે લખ્યું હતું કે, 'આ પ્રકારના લોકો હકીકતમાં સ્વતંત્ર બન્યા વગર સતત મુક્ત જીવન માટે લડ્યા કરે છે. એક નાની યાદ અપાવી દઉં, મુક્ત જીવન કમાવવું પડે છે. જો તમે જવાબદારી વિના મુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરો છો, તો તમે માત્ર એક બગડેલી વ્યક્તિ છો, ગટર છાપ.'
સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ થતાં જ ચોમેર ટીકા
આ ટિપ્પણીઓ ઝડપથી વાઇરલ થઈ ગઈ હતી અને તેની ભારે ટીકા થઈ હતી. જો કે, કેટલાક લોકોએ કંગના રણૌતનું સમર્થન પણ કર્યું છે. કેટલાક લોકોએ ભાજપના સાંસદ હોવાના નાતે બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો હતો અને વિવાદાસ્પદ નિવેદનો આપવાના તેમના ઈતિહાસ તરફ ધ્યાન દોર્યું હતું.
દેશભરના વિપક્ષી નેતાઓ દ્વારા આકરી ટીકા
આ અંગે કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ કહ્યું કે, 'તેઓ ભારતના લોકો, દેશ કે તેના નાગરિકો પ્રત્યે ગંભીર નથી…' તો કોંગ્રેસ સાંસદ સુખદેવ ભગતે કહ્યું કે, 'તેમની રાજકીય ટિપ્પણીઓ અંગે હું ચોક્કસપણે બે બાબતો કહેવા માંગુ છું, કંગના રણૌતને કોઈ ગંભીરતાથી લેતું નથી. આ જ કારણ છે કે તે શરૂઆતથી જ મજાકનું પાત્ર બની રહી છે.'
તો વિપક્ષ નેતા (LoP) ટીકારામ જુલીએ કહ્યું કે, 'કંગના રણૌતે કહ્યું છે કે આ વિરોધ પ્રદર્શન દર્દનાક અને ખોટું હતું. તો હું કહેવા માંગુ છું કે, જે બાળકોએ અવાજ ઉઠાવ્યો અને આત્મહત્યા કરી, શું તે સારું હતું? બાળકોના પેપરો લીક થયા, શું તે સારું હતું? આ અંગે કંગના રણૌત એક પણ શબ્દ બોલ્યા નથી.'
તો સપા સાંસદ અફઝલ અંસારીએ કહ્યું કે, 'હવે રહેવા દો. અમે તે 'દેવી' વિશે કંઈ કહેવા નથી માંગતા. બીજા લોકો છે જ તેમને જવાબ આપશે. તે એવું કહેતી રહે છે કે દેશ 2014માં આઝાદ થયો હતો… લોકો તેમના વિશે શું વિચારે છે તેનાથી અમને શરમ આવે છે.'
આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે કંગના રણૌતના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'કંગના રણૌત કેટલું ભણેલી છે? પહેલા તે આપણને તેની ડિગ્રી બતાવે. તે કેટલું ભણી છે કે વિદ્યાર્થીઓને જ્ઞાન વહેંચી રહી છે?'









