Get The App

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું - આ ખરેખર અસંવેદનશીલ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
Gurugram Minor Assault Case
(IMAGE - IANS)

Gurugram Minor Assault Case: ગુરુગ્રામમાં ત્રણ વર્ષની બાળકી સાથે થયેલા કથિત દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે તપાસની પદ્ધતિને 'અત્યંત ચોંકાવનારી' અને 'અસંવેદનશીલ' ગણાવી હતી. કોર્ટે ખાસ કરીને એ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે પીડિત બાળકીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓની એકદમ નજીક બેસાડીને નોંધવામાં આવ્યું હતું, જે કાયદાકીય પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ ગંભીર બેદરકારીને પગલે કોર્ટે ગુરુગ્રામ પોલીસ કમિશનર અને તપાસ અધિકારીને 25 માર્ચના રોજ વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ કર્યો છે.

તપાસમાં વિલંબ અને પોલીસની નિષ્ક્રિયતા પર મુકુલ રોહતગીના પ્રહારો

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ઘટનાના ચાર અઠવાડિયા વીતી ગયા હોવા છતાં અને આરોપીઓના નામ સામે આવ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કોર્ટને જણાવ્યું કે બાળકીને પોલીસ સ્ટેશન અને ચાઈલ્ડ વેલફેર કમિટી(CWC) લઈ જવામાં આવી હતી, જ્યાં મેજિસ્ટ્રેટે તેને 'સાચું બોલ' જેવા શબ્દો કહ્યા અને આરોપીને તેની સામે લાવવામાં આવ્યો હતો. રોહતગીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે આ કેસનો તપાસ અધિકારી(IO) અગાઉ પણ પોક્સો(POCSO) કેસમાં લાંચ લેવા બદલ સસ્પેન્ડ થઈ ચૂક્યો છે અને આ કેસમાં પણ પરિવારને સમાધાન કરી લેવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: BIG NEWS: 'મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા...', યુદ્ધ મુદ્દે લોકસભામાં બોલ્યા PM મોદી

સુપ્રીમ કોર્ટ દ્વારા હરિયાણાની મહિલા IPS અધિકારીઓની યાદી મંગાવાઈ

સુપ્રીમ કોર્ટે આ મામલાને અત્યંત ગંભીરતાથી લેતા રાજ્ય સરકારને હરિયાણામાં તૈનાત મહિલા IPS અધિકારીઓની યાદી રજૂ કરવા સૂચના આપી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે ચાર વર્ષની બાળકી સાથે આવી અસંવેદનશીલતા આશ્ચર્યજનક છે અને આવા કિસ્સાઓમાં ફરિયાદની રાહ જોયા વગર જ FIR નોંધાવી જોઈતી હતી. પીડિત પક્ષ તરફથી આ કેસની તપાસ ગુરુગ્રામ પોલીસ પાસેથી લઈને CBI અથવા વિશેષ તપાસ ટીમ(SIT)ને સોંપવાની માંગ કરવામાં આવી છે. હાલમાં કોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર મામલે વિગતવાર અહેવાલ અને સોગંદનામું માંગ્યું છે.

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું - આ ખરેખર અસંવેદનશીલ 2 - image