India

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
વર્ષ 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક કાંડને કારણે ગુજરાતના અંદાજે 9.53 લાખ ઉમેદવારોની મહેનત એળે ગઈ હતી. આ કેસમાં સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારના હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું
 AI IMAGE

Ahmedabad News: ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપરલીક થવાની ઘટનાઓથી લાખો યુવાનોનું ભવિષ્ય પહેલેથી જ અંધકારમય બન્યું છે, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના એક નિર્ણયે સળગતા હોળીમાં ઘી હોમવાનું કામ કર્યું છે. જુનિયર ક્લાર્ક પેપરલીક કૌભાંડમાં જેની સંડોવણી હતી અને જેની એટીએસ (ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેવા વધારે એક આરોપીને ભાજપ સંગઠનમાં મહત્વનો હોદ્દો આપવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

શું છે સમગ્ર વિવાદ?

વર્ષ 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરલીક કાંડને કારણે ગુજરાતના અંદાજે 9.53 લાખ ઉમેદવારોની મહેનત એળે ગઈ હતી. આ કેસમાં સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારના હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ મુજબ, હાર્દિક પટેલ મુખ્ય સૂત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્કમાં હતો અને પેપર વેચવાની પ્રક્રિયામાં તેની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. હવે આ જ હાર્દિક પટેલને ભાજપ દ્વારા પ્રાંતિજ તાલુકા બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 'ભારત કંઈ પણ કર્યું તો કોલકાતા સુધી હુમલા કરીશું...', પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ધમકી

સંગઠન સામે ઉઠ્યા સવાલો

માત્ર હાર્દિક પટેલ જ નહીં, પરંતુ અરવલ્લીમાં પણ પેપરલીક કાંડના અન્ય એક આરોપી આકાશ પટેલને પણ સંગઠનમાં સ્થાન અપાયું છે. એક તરફ રાજ્ય સરકાર પેપરલીક રોકવા માટે કડક કાયદા બનાવવાની વાતો કરે છે, તો બીજી તરફ સંગઠન આવા વિવાદાસ્પદ ચહેરાઓને રાજકીય આશરો આપી રહ્યું છે. આ નિમણૂંકોને પગલે સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષો પણ હવે 'પેપર ફોડો, હોદ્દો મેળવો' ના સૂત્ર સાથે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. લાખો યુવાનો જ્યારે રાત-દિવસ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય, ત્યારે આવા આરોપીઓને પક્ષમાં ઉચ્ચ પદ મળતા નૈતિકતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.