કચ્છ-સૌરાષ્ટ્રનો દરિયાઈ રૂટ જોખમી બનતાં ડ્રગ સિન્ડિકેટે શોધ્યો નવો રસ્તો: સ્મગલિંગનું નવું ષડયંત્ર પણ નિષ્ફળ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drug Smuggling New Route: ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના કડક પેટ્રોલિંગના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ભારતમાં માદક પદાર્થો ઘુસાડવા માટે પોતાનો પરંપરાગત દરિયાઈ રૂટ બદલી નાખ્યો છે. અગાઉ પાકિસ્તાનથી સીધા ગુજરાતના દરિયાકાંઠે ઉતારવામાં આવતો જથ્થો પકડાવાની શક્યતા વધી જતાં સિન્ડિકેટે હવે ‘ઈરાન-ગ્વાદર-લક્ષદ્વીપ-તમિલનાડુ-પંજાબ’નો નવો કોરિડોર અપનાવ્યો છે. મહત્વનું છે કે ગુજરાત ATS અને ICG એ અરબ સાગરમાં ₹3000 કરોડના ડ્રગ્સ્સનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. લક્ષદ્વીપ નજીક ઈરાની બોટમાંથી 526 કિલો હેરોઈન-મેથમફેટામાઈન સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ. ગુપ્ત બાતમી આધારે 'હોટ પર્સ્યુટ' કરી બોટને આંતરી, ડ્રગ્સ્સ મુંબઈ લવાયું છે.
દક્ષિણ ભારત તરફ રૂટ ડાયવર્ટ કર્યો
ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં દરિયામાં હાથ ધરાયેલા ઉપરાઉપરી ઓપરેશનોને કારણે સ્મગ્લરો માટે કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અત્યંત જોખમી બની ગયો છે. આથી, હાજી સલીમ સિન્ડિકેટે ઈરાનના કોનારક પોર્ટ અને પાકિસ્તાનના ગ્વાદરથી બોટ રવાના કરી લાંબો દરિયાઈ ફેરો લગાવી દક્ષિણ ભારત તરફ રૂટ ડાયવર્ટ કર્યો હતો.

કન્ટેનર કે ગુપ્ત ખાના ધરાવતા માલવાહક વાહનોથી હેરફેર
યોજના મુજબ, લક્ષદ્વીપ અને કોચી નજીક ઊંડા સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય બોટમાંથી તમિલનાડુની સ્થાનિક માછીમારી બોટમાં માલ ટ્રાન્સફર કરવાનો હતો, જેથી તટીય સુરક્ષા એજન્સીઓના રડારથી બચી શકાય. તમિલનાડુના કાંઠે આ જથ્થો ઉતાર્યા બાદ સુરક્ષા ચેકપોસ્ટોથી બચવા માટે તેને કન્ટેનર કે ગુપ્ત ખાના ધરાવતા માલવાહક વાહનો મારફતે ટુકડે-ટુકડે રોડ માર્ગે પંજાબ પહોંચાડવાનું પદ્ધતિસરનું ષડયંત્ર ઘડાયું હતું.
માછીમારોની બોટ ભાડે રાખવામાં આવી હતી કે કેમ?
જોકે, એટીએસ અને કોસ્ટગાર્ડે મિડ-સી જોઈન્ટ ઓપરેશન પાર પાડીને આ નવા સ્મગ્લિંગ કોરિડોરને પણ તોડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા તમિલનાડુના કાંઠે કન્સાઇનમેન્ટ રિસીવ કરવા માટે સ્થાનિક માછીમારોની બોટ ભાડે રાખવામાં આવી હતી કે કેમ અને તેમાં સ્થાનિક લોજિસ્ટિક્સ પ્રોવાઇડર કોણ હતા તેની કડીઓ મેળવવા તપાસ તેજ કરાઈ છે.
ગુજરાત કાંઠેથી સ્મગ્લરો દક્ષિણ ભારત તરફ કેમ વળ્યા?
ગુજરાત એટીએસ, મરીન ટાસ્ક ફોર્સ અને કોસ્ટગાર્ડના રડાર નેટવર્ક તેમજ સ્થાનિક માછીમારોના મજબૂત બાતમીદાર તંત્રને લીધે પાકિસ્તાની બોટ સીધી ગુજરાત કાંઠે આવતાં જ ઝડપાઈ જતી હતી. સ્મગ્લરોએ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પર સીધા આવવાને બદલે ઈરાન અને ગ્વાદરથી ઊંડા દરિયા મારફતે લક્ષદ્વીપ તરફ હજારો નોટિકલ માઇલનો ફેરો લગાવ્યો, જેથી પશ્ચિમ કાંઠાની ચાંપતી સુરક્ષા એજન્સીઓને થાપ આપી શકાય.




