સળંગ ત્રીજા મહિને GSTની આવક 2 લાખ કરોડ, મોદી સરકારને લખલૂટ ખર્ચ કરવા મોકળું મેદાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મોદી સરકારને લખલૂટ ખર્ચા કરવા માટે મોકળું મેદાન
- એપ્રિલથી સપ્ટેમ્બરના અર્ધવાર્ષિક સમયગાળામાં જીએસટી કલેકશન 11.6 ટકા વધી રૂ. 12.46 લાખ કરોડ થયું
- મહારાષ્ટ્રે સૌથી વધુ રૂ. 29,986 કરોડ, કર્ણાટકે રૂ.13,884 કરોડ જીએસટી કલેક્શન કર્યું
GST Income : દેશમાં દુકાળના ડાકલાની સ્થિતિ વચ્ચે પણ સરકારને સપ્ટેમ્બરમાં તિજોરીફાડ જીએસટી કલેકશન રુ. 2.03 લાખ કરોડ જીએસટી કલેકશન મળ્યું છે. આ કલેકશન ગયા મહિનાની તુલનાએ 15 ટકાનો વધારો દર્શાવે છે. આમ સળંગ ત્રીજા મહિને બે લાખ કરોડથી ઉપરનું જીએસટી કલેકશન મળ્યું છે. ઓગસ્ટમાં રૂ. 1,99,853 કરોડ અને જુલાઈમાં રુ. 2.11 લાખ કરોડનું કલેકશન મળ્યું હતું. ચોખ્ખી જીએસટી આવક વાર્ષિક ધોરણે 18.1 ટકા વધી રુ. 1.76 લાખ કરોડ થઈ.
આમ એપ્રિલથી સપ્ટેમ્બરના અર્ધવાર્ષિક સમયગાળામા 12,46,272 કરોડનું જીએસટી કલેકશન થયું છે, જે ગયા વર્ષના 11.17 લાખ કરોડની તુલનાએ 11.6 ટકા વધારે છે. જ્યારે ચોખ્ખુ જીએસટી કલેકશન ગયા વર્ષના સમાન સમયગાળાના રુ. 9.65 લાખ કરોડથી 10.4 ટકાના દરે વધીને 10.66 લાખ કરોડ થયું છે.
સપ્ટેમ્બરમાં આપવામાં આવેલા રિફંડમાં ગયા વર્ષની તુલનાએ છ ટકા ઘટાડો થયો છે. સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બરમાં સીજીએસટી 37,762 કરોડ રુપિયા, એસજીએસટી 45,363 કરોડ રુપિયા અને આઇજીએસટી કલેકશન રુ. 1,20,396 કરોડ રુપિયા થયું છે.ભારતની ગ્રોસ ડોમેસ્ટિક આવક 1,25,334 કરોડ રુપિયાથી 10.1 ટકા વધીને રુ. 1,37,996 કરોડ રુપિયા થઈ છે. સ્થાનિક રિફંડ વાર્ષિક ધોરણે 13.5 ટકા ઘટીને રુ. 13,504 કરોડ રુપિયા થયું છે. તેનાથી વિપરીત એક્સપોર્ટ જીએસટી રિફંડ આઇસગેટ 10.2 ટકા વધીને 13,497 કરોડ રુપિયા થઈ છે.
મોટા રાજ્યોમાં જોઈએ તો મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ 29,986 કરોડ રુપિયા જીએસટી કલેકશન નોંધાયું હતું. આ એક વર્ષ પહેલાં રુ. 25,973 કરોડ રુપિયા હતુ. આમ તેમા 15 ટકાથી વધુ વધારો નોંધાયો છે. તેના પછી કર્ણાટકનો નંબર હતો, જ્યાં જીએસટી કલેકશન 16 ટકા વૃદ્ધિ સાથે રુ. 13,884 કરોડ રહ્યુ હતું. ઉત્તરપ્રદેશની જીએસટી આવક 18 ટકા વધીને 8,882 કરોડ રુપિયા રહી હતી. એક વર્ષ પહેલાં તે રુ. 7,516 કરોડ હતું. તેલંગણામાં આ કલેકશન 18 ટકા વૃદ્ધિ સાથે રુ. 5,327 કરોડ થયું. પંજાબની જીએસટી આવક 18 ટકા વધી રુ .2,549 કરોડ થઈ. આસામમાં તે 88 ટકા વધી રુ. 2,415 કરોડ પર પહોંચી. મણિપુરમાં 145 ટકા વૃદ્ધિ સાથે આ કલેકશન રુ. 92 કરોડ રહ્યું.જ્યારે અરૂણાચલ અને નાગાલેન્ડમાં ક્રમશઃ 39 અને 46 ટકાની વૃદ્ધિ નોંધાઈ.
સપ્ટેમ્બરમાં ગુજરાતની જીએસટીની કુલ આવક રૂપિયા 8067 કરોડ
ગુજરાત સરકારની સપ્ટેમ્બર 2026માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક રૂ.. 8167 કરોડની થઈ છે. સપ્ટેમ્બર 2025ની તલુનાએ આ વર્ષની જીએસટીની આવકમાં 35 ટકાનો વધારો થયો છે. ગયા વરસે સપ્ટેમ્બરમાં જીએસટીની આવક રુ. 6050 કરોડની થઈ હતી. રાષ્ટ્રીય સ્તરે જીએસટીની આવક 14.7 ટકાના દરે વધી રહી છે.
નાણાંકીય વર્ષ 2026-27ના પહેલા છ માસિક ગાળાને અંતે રુ. 49,858 કરોડની આવક થઈ છે. તેમાં પણ ગયા વર્ષના પહેલા છ માસની જીએસટીની કુલ રુ. 38,540 કરોડ સામે 29 ટકાનો વધારો થયો છે.
સપ્ટેમ્બરમાં વેટની આવક રુ. 2930 કરોડની થઈ છે. તેમ જ વિદ્યુત શુલ્ક હેઠળ રુ. 1102 કરોડની અને વ્યાવસાય વેરાના માધ્યમથી રુ. 24 કરોડની આવક થઈ છે. જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રુ. 12,222 કરોડની આવક થઈ છે.




