(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
દેવામાં ડૂબેલી વોડાફન આઇડિયાને રાહત આપતા સરકારે કાયદાકીય
બાકી રકમનું પુનઃમૂલ્યાંકન કર્યા પછી ટેલિકોમ કંપનીની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ
લાયેબિલિટી લગભગ ૨૭ ટકા ઘટાડીને ૬૪૦૪૬
કરોડ રૃપિયા કરી છે. આ ચુકવણી પાંચ વર્ષ પછી શરૃ કરવાની રહેશેે.
ઉલ્લેખનીય છે કે ટેલિકોમ વિભાગે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ
(એજીઆર)નું પુનઃમૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી હતી. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫નાં રોજ
એજીઆરનું મૂલ્ય ૮૭,૬૯૫ કરોડ
રૃપિયા નક્કી કરવામાં આવ્યું હતું.
જો કે અંતિંમ રકમ ડીઓટી દ્વારા પુનઃમૂલ્યાંકન અને સમિતિ
દ્વારા અંતિમ મંજૂરીને આધીન હતી. ગુરૃવારે એક્સચેન્જ ફાઇલિંગમાં વોડાફોન આઇડિયાએ
જણાવ્યું હતું કે ટેલિકોમ વિભાગે જાણ કરી
છે કે આ હેતુ માટે રચાયેલી સમિતિએ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૬૪૦૪૬ કરોડ રૃપિયાના એજીઆર લેણાને અંતિમ સ્વરૃપ
આપ્યું છે.
કંપનીને દસ વર્ષમાં બે તબક્કામાં અંતિમ લેણાં ચુકવવાનાં છે
અને પ્રથમ ચુકવણી પાંચ વર્ષ પછી કરવાની છે. નાણાકીય વર્ષ ૨૦૩૧-૩૨થી નાણાકીય વર્ષ
૨૦૩૪-૩૫ સુધીના ચાર વર્ષમાં વાર્ષિક ઓછામાં ઓછા ૧૦૦ કરોડ રૃપિયા અને બાકીની રકમ
નાણાકીય વર્ષ ૨૦૩૫-૩૬થી નાણાકીય વર્ષ ૨૦૪૦-૪૧ સુધી વાર્ષિક છ સમાન હપ્તામાં
ચુકવવાની રહેશે.
જો કે કંપનીએ માર્ચ ૨૦૨૬થી માર્ચ ૨૦૩૧ સુધી નાણાકીય વર્ષ
૨૦૧૮ અને નાણાકીય વર્ષ ૨૦૧૯ને લગતા એજીઆર લેણા માટે ૧૨૪ કરોડ રૃપિયાની વાર્ષિક
ચુકવણી કરવાની રહેશે.
કંપની સતત નુકસાન,
ઘટતા જતાં ગ્રાહકો અને નેટવર્ક વિસ્તરણમાં રોકાણ કરવાની મર્યાદિત ક્ષમતાનો
સામનો કરી રહી છે.


