Get The App

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે 1 - image

Govt Caps Diesel Sale at 200 Liters Per Day : મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઉભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઇંધણની સંગ્રહખોરી રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે તે માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર મર્યાદા (Sale Cap) નક્કી કરી દીધી છે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે 2 - image

હવે એક વ્યક્તિને કેટલું ડીઝલ મળશે?

સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નવા આદેશ અનુસાર, હવેથી કોઈ પણ સામાન્ય ગ્રાહકને છૂટક પેટ્રોલ પંપ પરથી એક દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ આપવામાં આવશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં 200 લીટરથી વધુ ડીઝલ ખરીદી શકશે નહીં.

સરકારે કેમ લેવો પડ્યો આ નિર્ણય?

તાજેતરના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ઇંધણની બિનજરૂરી વધારાની ખરીદી અને સ્ટોક જમા કરવાની આશંકાઓ જોવા મળી હતી. જો મોટી માત્રામાં ઇંધણની ખરીદી અને સંગ્રહખોરી પર નિયંત્રણ ન રાખવામાં આવે, તો બજારમાં કૃત્રિમ અછત ઊભી થવાનો ખતરો વધી શકે તેમ હતો. આથી બજારમાં કાળાબજારી અને અનાવશ્યક ભંડારણ રોકવા તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોની સરળ ઉપલબ્ધતા જાળવી રાખવા સરકારે આ મર્યાદા નક્કી કરી છે.

વ્યાપારીઓ અને ઉદ્યોગો માટે શું નિયમ છે?

નવા નિયમો મુજબ, જે ગ્રાહકોને વ્યાવસાયિક (Commercial) કે ઔદ્યોગિક (Industrial) જરૂરિયાતો માટે મોટી માત્રામાં ઇંધણની જરૂર છે, તેઓ સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પરથી આ ખરીદી નહીં કરી શકે. આવા ગ્રાહકોએ પોતાની અધિકૃત સુવિધાઓ, નિર્ધારિત ડેપો અથવા સત્તાવાર પંપો પરથી જ ઇંધણ ખરીદવું પડશે, જેથી સામાન્ય ગ્રાહકો માટેના રિટેલ નેટવર્ક પર વધારાનું દબાણ ન આવે.

માત્ર 90 દિવસ માટે અસ્થાયી વ્યવસ્થા

સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કાયમી નિયમ નથી પરંતુ એક અસ્થાયી (Temporary) વ્યવસ્થા છે, જે મહત્તમ 90 દિવસ સુધી પ્રભાવી રહેશે. આગામી દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશમાં જરૂરી ફેરફાર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમનું કડકાઈથી પાલન કરવા આદેશ આપ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય ગ્રાહકો, વાહનવ્યવહાર સેવાઓ, કૃષિ ક્ષેત્ર અને અન્ય આવશ્યક સેવાઓ માટે ડીઝલનો પુરવઠો નિયમિત રાખવાનો છે.