India

વિદ્યાર્થીઓને દેશના દુશ્મન માનવાનું બંધ કરે સરકાર, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અનિવાર્ય: સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
NEET વિવાદ વચ્ચે દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું છે. કોંગ્રેસના સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને દુશ્મન ગણી લાઠીચાર્જ કર્યો. તેમણે NTAની કામગીરી અને શિક્ષણ બજેટમાં કાપ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામા સહિત 3 મુખ્ય માંગણીઓ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓને દેશના દુશ્મન માનવાનું બંધ કરે સરકાર, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અનિવાર્ય: સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર

Sonia Gandhi On Delhi Student Protest : દેશભરમાં NEET પરીક્ષા વિવાદ અને શિક્ષણ વ્યવસ્થાને લઈને ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સરકારે એવું વર્તન કર્યું જાણે તેઓ દેશનું ભવિષ્ય નહીં પણ દુશ્મન હોય.

વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને માગણીઓ

સોનિયા ગાંધીએ 20 જુલાઈના રોજ દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી માર્ચનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. તેમણે સરકારને અપીલ કરી હતી કે 'આ દેશના બાળકો છે, અપરાધી નથી'. તેથી તેમની સામેની કાર્યવાહી તાત્કાલિક રોકીને વાતચીત કરવી જોઈએ.

NTAની કામગીરી અને શિક્ષણ બજેટ પર સવાલ

સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી(NTA)ની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવતાં દાવો કર્યો હતો કે, છેલ્લા 12 વર્ષમાં દેશભરમાં 152 પેપર લીકના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય શિક્ષણ બજેટમાં કરાયેલા કાપ, સરકારી શાળાઓ બંધ થવા અને ગ્રેજ્યુએટ યુવાનોમાં વધી રહેલી 40 ટકા બેરોજગારીના દર અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધીએ કરી ત્રણ મુખ્ય માગણીઓ

બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મુખ્ય 3 માગણીઓ છે. જેમાં ભ્રષ્ટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવા, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરનારાઓ સામે પગલાં લેવા અને વડાપ્રધાન પોતે વિદ્યાર્થીઓની માફી માંગે તે શામેલ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સંસદમાં આ મુદ્દે બોલતી વખતે તેમનો માઇક બંધ કરી દેવામાં આવ્યો હતો.

CJPનું આંદોલન અને સોનમ વાંગચુકના પારણાં

બીજી તરફ CJP(કોકરોચ જનતા પાર્ટી)એ જંતર-મંતર પર શિક્ષણ મંત્રીના રાજીનામા માટે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જ્યારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે NEET પરીક્ષા અને શિક્ષણ સુધારા અંગે કેન્દ્ર સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ પોતાના 26 દિવસ લાંબા ઉપવાસ પૂરા કર્યા છે.