Get The App

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો 1 - image

E100 Petrol Ethanol Blending : કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલના વધતા ભાવ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) એ 27 એપ્રિલના રોજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઈથેનોલ ભેળવવાના નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે, તો આગામી સમયમાં વાહનો સંપૂર્ણપણે ઈથેનોલથી પણ ચાલી શકશે.

શું છે નવો પ્રસ્તાવ?

આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો હેતુ ઉત્સર્જન સંબંધિત નિયમો, ફ્યુઅલ ક્લાસિફિકેશન અને હાઈ ઈથેનોલ બ્લેન્ડ સાથે જોડાયેલા ટેકનિકલ શબ્દોમાં ફેરફાર કરવાનો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-1989માં સુધારો કરીને E85 અથવા E100 સુધીના ઈંધણ માટે વાહન સ્ટાન્ડર્ડનો સમાવેશ કરવાની વાત આ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. 

ડ્રાફ્ટમાં ઈંધણની નવી કેટેગરી નક્કી કરવાનો પણ પ્રસ્તાવ છે. જેમ કે પેટ્રોલની ઓળખ હવે E10/Eથી બદલીને E10/E20 કરવામાં આવશે. આ સાથે જ E85 અને E100ને પણ સત્તાવાર રીતે નિયમોમાં સામેલ કરવામાં આવશે. તેવી જ રીતે બાયોડીઝલને B10થી વધારીને B100 સુધી અપડેટ કરવાનો પ્રસ્તાવ છે. હાલમાં આ ડ્રાફ્ટ નોટિફિકેશન પબ્લિક કોમેન્ટ માટે બહાર પાડવામાં આવ્યું છે, જેના પર લોકો અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો પોતાનો અભિપ્રાય આપી શકશે. તમામ સૂચનો મળ્યા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે.

ગયા વર્ષે E20નો ટાર્ગેટ પૂર્ણ થયો

ભારતે ગયા વર્ષે જ E20 (પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો હતો. હવે સરકાર તેનાથી આગળ વધીને વધુ મિશ્રણની દિશામાં આગળ વધી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત ઘટાડવાનો છે. વધુ ઈથેનોલ ભેળવવાથી કાચા તેલની જરૂરિયાત ઘટશે, જેનાથી દેશને આર્થિક ફાયદો થશે અને પર્યાવરણને પણ નુકસાન થતું અટકશે.

ફેરફાર ધીમે ધીમે લાગુ કરવામાં આવશે

જો આ નિયમો લાગુ થશે, તો ભવિષ્યમાં લોકોને નવા ઈંધણ વિકલ્પો મળશે. જોકે, આ માટે વાહનોમાં પણ ફેરફાર કરવો જરૂરી બનશે જેથી તે હાઈ ઈથેનોલ બ્લેન્ડ પર યોગ્ય રીતે ચાલી શકે. આ ફેરફાર ધીમે ધીમે લાગુ કરવામાં આવશે. સરકારની યોજના મુજબ E20 આખા દેશમાં સામાન્ય ઈંધણ તરીકે મળતું રહેશે, જ્યારે E25, E27, E85 અને E100 જેવા હાઈ બ્લેન્ડ ઈંધણને વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવશે. આ ઈંધણ માત્ર તે જ વાહનોમાં વપરાશે જે તેના માટે અનુકૂળ હશે.

આ પણ વાંચો : ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો?

ઉદાહરણ તરીકે સરળ ભાષામાં સમજીએ તો...

ટુ-વ્હિલર્સ અને થ્રી-વ્હિલર્સ

• E10/E20: અત્યારે બજારમાં મળતા નવા ટુ-વ્હિલર્સ આ ઈંધણ પર ચાલે છે.

• E85 અને E100: ભવિષ્યમાં આવનારા 'ફ્લેક્સ-ફ્યુઅલ' બાઇક અને રિક્ષા આ હાઈ-બ્લેન્ડ ઈથેનોલ પર ચાલશે.

ફોર-વ્હિલર્સ (કાર અને એસયુવી)

• E10/E20: હાલની મોટાભાગની નવી કાર આ ઈંધણ માટે અનુકૂળ છે.

• E25 અને E27: આગામી સમયમાં મધ્યમ મિશ્રણ ધરાવતી કાર માટે આ નવા વિકલ્પો હશે.

• E85 અને E100: ખાસ પ્રકારના 'ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન' ધરાવતી કારમાં જ આ ઈંધણ વપરાશે.

કોમર્શિયલ અને ભારે વાહનો (ટ્રક, બસ અને પીક-અપ વાન)

• B10 થી B100 (બાયોડીઝલ): જે વાહનો ડીઝલ પર ચાલે છે, તેમના માટે 10%થી લઈને 100% સુધીના બાયોડીઝલ મિશ્રણનો પ્રસ્તાવ છે.

• ગ્રોસ વ્હીકલ વેઈટ : 3500 કિલો સુધીનું વજન ધરાવતા નાના ટ્રક અને લોડિંગ ટેમ્પો હવે આ નવા ઉત્સર્જન નિયમો હેઠળ આવશે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ઓટો કંપનીઓને ગડકરીની ચેતવણી; હવે આ પાંચ બાબત ધ્યાનમાં રાખો

ગ્રોસ વ્હીકલ વેઈટની મર્યાદા વધારવાનો પણ પ્રસ્તાવ

ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, ગ્રોસ વ્હીકલ વેઈટની મર્યાદા પણ 3000 કિલોગ્રામથી વધારીને 3500 કિલોગ્રામ કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત HCNG એટલે કે હાઈડ્રોજન અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સાથે જોડાયેલા નામોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પેટ્રોલ ફ્યુઅલ ક્લાસિફિકેશનને હવે “E10/E20” તરીકે અપડેટ કરવામાં આવ્યું છે.