Get The App

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો 1 - image

- હોર્મુઝમાંથી ભારત સહિત પાંચ દેશોના જહાજોને ઈરાનની મંજૂરી

- ભારતે આઠ વર્ષમાં પહેલી વખત ઈરાન પાસેથી એલપીજીની ખરીદી કરી, ચીન જતું જહાજ રૂપિયામાં પેમેન્ટ કરી ખરીદ્યું

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે વૈશ્વિક ઓઈલ કટોકટી વચ્ચે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓ ફેલાઈ રહી છે, જેને નકારી કાઢતા કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે દેશમાં ૬૦ દિવસનો ઓઈલનો સ્ટોક છે તથા એક મહિનો ચાલે તેટલા એલપીજીના સપ્લાયની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. સરકારે આઠ વર્ષમાં પહેલી વખત ઈરાન પાસેથી એલપીજીની ખરીદી કરી છે. બીજીબાજુ ઈરાનથી ચીન જતા એલપીજીના જહાજને ભારતે રૂપિયામાં પેમેન્ટ કરીને અડધે રસ્તેથી જ ખરીદી લીધું છે. આ એલપીજી ભારત પહોંચી રહ્યા છે. સાથે ઈરાને પણ ભારત સહિત પાંચ દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધને એક મહિના જેટલો સમય થવા આવ્યો છે ત્યારે આ યુદ્ધનો હજુ અંત જણાતો નથી. આ યુદ્ધની અસરના પગલે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત સર્જાઈ છે. અનેક પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગ્યા છે. 

જોેકે, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુરુવારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતની અફવાઓને નકારી કાઢી હતી. સરકારે કહ્યું કે, ચોક્કસ તત્વો દ્વારા ઈરાદાપૂર્વક ભ્રામક અભિયાન હેઠળ લોકોને ગભરાવવા માટે આવી અફવા ફેલાવવામાં આવી રહી છે. ભારત પાસે ઓઈલનો ૬૦ દિવસનો સ્ટોક છે જ્યારે ૮ લાખ ટન એલપીજીનો સ્ટોક ખરીદી લેવામાં આવ્યો છે અને એક મહિનો ચાલે તેટલા ગેસની વ્યવસ્થા થઈ ગઈ છે. ભારતમાં ઈંધણની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત અને નિયંત્રણમાં છે.

સરકારે લોકોને ગભરાઈને પેટ્રોલ, ડીઝલ કે એલપીજી સિલિન્ડરનો સંગ્રહ નહીં કરવા માટે ચેતવણી પણ આપી હતી. દેશમાં ૧ લાખ જેટલા પેટ્રોલ પંપ ખુલ્લા છે અને ક્યાંય પણ પેટ્રોલ-ડીઝલનું રેશનિંગ નથી થઈ રહ્યું.

દરમિયાન ભારતીય ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે આઠ વર્ષમાં પહેલી વખત ઈરાન પાસેથી એલપીજી ગેસની ખરીદી કરી છે. ભારતે અમેરિકાના પ્રિતબંધોના કારણે ઈરાન પાસેથી જૂન ૨૦૧૮ પછી ઓઈલ અને ગેસની ખરીદી બંધ કરી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાતા સરકારે ફરી ખરીદી શરૂ કરી છે. સાથે ઈરાનથી ચીન જઈ રહેલા એક પ્રતિબંધિત એલપીજી જહાજ 'ઓરોરા'ને સરકારી ઓઈલ કંપનીઓએ અડધે રસ્તેથી જ ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરીને ખરીદી લીધું હતું. આ જહાજ હવે પશ્ચિમ ભારતના દરિયા કિનારા તરફ આવી રહ્યું છે. આ એલપીજીનું ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમમાં વિતરણ કરાશે.

આ સાથે ભારત માટે સારા સમાચાર એ છે કે ઈરાને ભારત સહિત પાંચ દેશોના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગુરુવારે કહ્યું કે, રણનીતિકરૂપે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે બંધ નથી. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા મિત્ર દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી અપાઈ છે. જોકે, દુશ્મન દેશોના જહાજોને જવા નહીં દેવાય.