અગ્નિવીરો માટે ગુડ ન્યૂઝ! સરકારી નોકરીઓમાં પરીક્ષાથી મુક્તિ આપવાનો આ રાજ્ય સરકારનો પ્રસ્તાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttarakhand Agniveer Government Job Exemption : ઉત્તરાખંડ સરકાર આવનારા સમયમાં પૂર્વ-અગ્નિવીરોને રાજ્યની સરકારી નોકરીઓમાં મોટી છૂટછાટ આપવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને ઉત્તરાખંડના મુખ્ય સચિવ આનંદબર્દ્ધનને પત્ર લખીને પૂર્વ-અગ્નિવીરોને સરકારી ભરતીઓમાં ખાસ રાહત આપવા માટે ભલામણ કરી છે. આ ભલામણ બાદ રાજ્યના કાર્મિક વિભાગે અન્ય વિભાગો સાથે વિચાર-વિમર્શ શરૂ કરીને પ્રવર્તમાન નિયમાવલીમાં સુધારો કરવાની તજવીજ હાથ ધરી છે, જેનો પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
લેખિત અને શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ મળશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે કે પૂર્વ-અગ્નિવીરો માટે ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવે. તેઓને લેખિત પરીક્ષા, શારીરિક ક્ષમતા પરીક્ષા (PET) અને શારીરિક માનક પરીક્ષા(PST)માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. કેન્દ્રનું માનવું છે કે અગ્નિવીરો અગાઉથી જ ભારતીય સેનાની અત્યંત કઠિન ભરતી અને તાલીમ પ્રક્રિયામાંથી પસાર થયેલા હોય છે. તેથી તેમની પાસે જરૂરી શિસ્ત, શારીરિક સક્ષમતા અને કૌશલ્ય પહેલાથી જ ઉપલબ્ધ હોય છે.
વિવિધ વિભાગોમાં 20% અનામત આપવા પર ભાર
ઉત્તરાખંડમાં હાલમાં પોલીસ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર, જેલ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, આબકારી સિપાહી અને સચિવાલય ગાર્ડ જેવી ગ્રૂપ Cની કેડરમાં અગ્નિવીરોને અનામતનો લાભ મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય રિઝર્વ બટાલિયન (IRB), રાજ્ય આપદા પ્રતિક્રિયા બળ (SDRF), વાઇલ્ડલાઇફ ગાર્ડ અને માઇનિંગ ગાર્ડના પદો પર પણ અગ્નિવીરોને 20% અનામત આપવા માટેનો આદેશ વહેલી તકે જારી કરવા પર ભાર મૂક્યો છે.
કેન્દ્ર સરકારે ખાલી પદોની વિગતો માંગી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તરાખંડ સરકાર પાસે પૂર્વ-અગ્નિવીરોની ભરતી માટે પ્રસ્તાવિત ખાલી પદોની સંપૂર્ણ વિગતો માંગી છે. આ માટે રાજ્ય સરકારને એક ચોક્કસ ફોર્મેટ પણ મોકલવામાં આવ્યું છે, જેમાં માસવાર, હોદ્દાવાર અને કેટેગરીવાર વિગતો દર્શાવવાની રહેશે. કાર્મિક સચિવ શૈલેષ બગૌલીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર તરફથી મળેલા નિર્દેશોના આધારે નવી વ્યવસ્થા લાગુ કરવાની કામગીરી ઝડપથી ચાલુ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી સેનામાંથી પરત ફરતા અગ્નિવીરોને નાગરિક સેવાઓ અને સુરક્ષા દળોમાં ઝડપથી રોજગારી મળી શકશે.




