પેટ્રોલ પંપ પર બંને ઓપ્શન આપો, ભાવ પણ ઘટાડો... E20 વિવાદ વચ્ચે કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arvind Kejriwal Letter To PM Modi : આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે E20 પેટ્રોલના મુદ્દે પત્રકાર પરિષદ યોજીને ફરી એકવાર પોતાની વાત રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, આ ગંભીર મુદ્દે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.
કેજરીવાલે પત્રમાં કરી આ માગણી
કેજરીવાલે માહિતી આપી હતી કે, તેમણે પત્રમાં દેશના દરેક પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ અને સામાન્ય પેટ્રોલ એમ બંને વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે. આ સાથે જ તેમણે E20 પેટ્રોલના ભાવ સામાન્ય પેટ્રોલ કરતા ઓછા રાખવાની અપીલ પણ વડાપ્રધાનને કરી છે.
E20 પેટ્રોલ વિરુદ્ધ સિગ્નેચર કેમ્પેઈન શરૂ
તેમણે વડાપ્રધાનના નામે જનતા તરફથી એક પિટિશન (અરજી) તૈયાર કરી છે, જેમાં કોઈપણ નાગરિક AAPની સત્તાવાર સાઇટ પર જઈને આ પિટિશન પર સાઇન કરીને પોતાની વાત લખી શકે છે. લોકો StopE20petrol.com ના માધ્યમથી વડાપ્રધાનના નામે આ અરજી પર હસ્તાક્ષર કરીને પોતાનો અવાજ ઉઠાવી શકે છે, તે માટે ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરાયું છે.
વાહન ઉત્પાદક કંપનીઓને પણ લખ્યો હતો પત્ર
આ પૂર્વે પણ કેજરીવાલ દેશની 29 વાહન ઉત્પાદક કંપનીઓને પત્ર લખીને આ બાબત સ્પષ્ટ કરવા કહી ચૂક્યા છે કે, શું તેમના દ્વારા 2023 પહેલા બનાવવામાં આવેલા વાહનો E20 પેટ્રોલનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે કે નહીં. કેજરીવાલે જનતાને આ મુદ્દે પોતાના મંતવ્યો આપવા જણાવ્યું છે, અને કહ્યું છે કે, જ્યારે તેઓ વડાપ્રધાનને મળવા જશે, ત્યારે જનતાના સૂચનો પણ તેમને સોંપશે. તેમણે આ મુદ્દાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને શેર કરવા વિનંતી કરી છે. બીજી તરફ, તેમણે સોનમ વાંગચુકને પોતાના ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી છે, અને ગુરુવારે તેમને સમર્થન આપવા જવાની વાત પણ કહી છે.









