India

જીડીપી માત્ર 2.6 ટકા : પૂર્વ સચિવનો દાવો, અર્થતંત્ર તેજીમાં : કેન્દ્રનો બચાવ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં સરકારના 7.8% આર્થિક વૃદ્ધિના દાવા પર વિવાદ સર્જાયો છે. પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગે એપ્રિલ-જૂન 2026નો GDP 2.6% હોવાનો આક્ષેપ કર્યો. પીયૂષ ગોયલે આક્ષેપોને ભ્રામક ગણાવ્યા, જૂના-નવા બેઝ વર્ષની સરખામણીને "સફરજન-સંતરાની તુલના" સમાન ગણાવી. કોંગ્રેસે પણ આંકડા પર સવાલ ઉઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જીડીપી માત્ર 2.6 ટકા : પૂર્વ સચિવનો દાવો, અર્થતંત્ર તેજીમાં : કેન્દ્રનો બચાવ
  • સરકારની ફૂલ ગુલાબી આર્થિક વૃદ્ધિના દાવા પર વિવાદ સર્જાયો
  • જૂના અને નવા બેઝ વર્ષના આધારે જીડીપીની સરખામણી સફરજન અને સંતરાની તુલના સમાન : પીયુષ ગોયલ

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ તેમજ ક્રૂડ ઓઈલના ભાવ આસમાને જતા દુનિયાભરમાં મંદી છે. આમ છતાં ભારતે પહેલા ત્રિમાસિક ગાળામાં ૭.૮ ટકાની અસાધારણ વૃદ્ધિ નોંધાવી છે. જોકે, પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગે એપ્રિલ-જૂન ૨૦૨૬નો જીડીપી માત્ર ૨.૬ ટકા હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. સરકારે સુભાષ ગર્ગ અને કોંગ્રેસના આક્ષેપો પર પલટવાર કરતા કહ્યું કે, જૂના અને નવા આધાર વર્ષના આંકડાની સરખામણી એપલ અને ઓરેન્જની તુલના સમાન છે. દેશનું અર્થતંત્ર ફુલ ગુલાબી તેજીમાં છે.
કેન્દ્ર સરકારે પહેલા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૭.૮ ટકાના દરે વૃદ્ધિ પામ્યું હોવાની જાહેરાત કર્યા પછી પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જૂના અને નવા બેઝ યરને ટાંકીને એપ્રિલ-જૂન ૨૦૨૬માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર ૭.૮ ટકા નહીં પરંતુ માત્ર ૨.૬ ટકા જ હોવાનો દાવો કર્યો હતો. આ સાથે કોંગ્રેસે સરકારે જાહેર કરેલા જીડીપીના આંકડા પર સવાલ ઉઠાવતા તેને માત્ર 'આંકડાકીય કસરત' ગણાવી હતી.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે વિપક્ષ અને પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગની ઝાટકણી કાઢતા તેમના આક્ષેપોને દેશને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશનો ૭.૮ ટકાનો મજબૂત આર્થિક વૃદ્ધિદર સંપૂર્ણપણે વાસ્તવિક ઉત્પાદન આંકડા પર આધારિત છે અને તેને ઓછો આંકવાનો પ્રયાસ સફરજનની સરખામણી સંતરા સાથે કરવા સમાન છે.
પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે દાવો કર્યો હતો કે ગયા વર્ષના પહેલા ત્રિમાસિકના જીડીપીને અંદાજે ૮૬ લાખ કરોડથી ઘટાડીને ૮૦ લાખ કરોડ રૂપિયા ન કરાયો હોત તો વર્તમાન કિંમતો પર દેશનો જીડીપી વૃદ્ધિદર માત્ર ૨.૮ ટકાની આજુબાજુ હોત. તેમણે આક્ષેપ કર્યો કે ગયા વર્ષના આંકડાને ઈરાદાપૂર્વક બદલવામાં આવ્યા છે, જેથી ચાલુ વર્ષના વિકાસ દરને કૃત્રિમરૂપે વધારી શકાય.
સ્ટેટિસ્ટિક્સ સેક્રેટરીએ જણાવ્યું કે, જૂના અને નવા બેઝ વર્ષની સરખામણી ખોટી છે, કારણ કે તેમાં કરન્ટ પ્રાઈસના આંકડાના બદલે કોન્સ્ટન્ટ પ્રાઈસના અંદાજોની ગણતરી કરવામાં આવે છે. આ સિવાય ૮૬.૦૫ લાખ કરોડના અંદાજને જૂના ૨૦૧૧-૧૨ના બેઝ વર્ષ સાથે સરખાવવામાં આવે છે જ્યારે હાલ જાહેર કરાયેલા જીડીપીના આંકડાની નવા ૨૦૨૨-૨૩ના બેઝ વર્ષ હેઠળ ગણતરી કરાઈ છે.
સરકારે ફેબુ્રઆરી ૨૦૨૬માં નવું ૨૦૨૨-૨૩નું બેઝ વર્ષ રજૂ કર્યા પછી જૂના આંકડાઓનું કોઈ મહત્વ રહેતું નથી. જીડીપીની વાસ્તવિક વૃદ્ધિની ગણતરી હંમેશા સ્થિર કિંમતો પર કરવામાં આવે છે, જેથી મોંઘવારીની અસર હટાવી શકાય જ્યારે ટીકાકારો ચાલુ કિંમતોની સરખામણી કરી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું કે ડેટામાં ફેરફાર કોઈ હેરાફેરીનો ભાગ નથી, પરંતુ સામાન્ય સંશોધન ચંક્રનો ભાગ છે. ભારતના જીડીપીની ગણતરી વૈશ્વિક માપદંડો અને નવા ડેટા સ્રોતો મુજબ સંપૂર્ણપણે પારદર્શી છે.