ઉત્તર ભારતમાં ગંગા-યમુના સહિતની નદીઓનું રૌદ્ર સ્વરૂપ: પ્રયાગરાજમાં સંગમ ડૂબ્યો, સેનાના હેલિકોપ્ટર તહેનાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

North India Floods: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ ઉફાન પર છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થતાં સંગમ ક્ષેત્ર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે. ચિત્રકૂટમાં મંદાકિની નદીના રૌદ્ર સ્વરૂપને કારણે કાર્વી શહેરને જોડતા પુલનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે. આ સિવાય ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારે વરસાદથી તમસા નદી પૂરના થાપે ચડી છે, જ્યારે મધ્ય પ્રદેશના સતનામાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સેનાના હેલિકોપ્ટર અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
ચિત્રકૂટમાં મંદાકિની નદીનું વિકરાળ સ્વરૂપ
ચિત્રકૂટમાં મંદાકિની નદીની જળસપાટી સતત વધી રહી છે. નદીના ભારે પ્રવાહને કારણે કાર્વી શહેરને જોડતા મંદાકિની પુલના એપ્રોચ રોડનો એક ભાગ ધોવાઈ ગયો હતો. હોનારત અને દુર્ઘટના રોકવા માટે વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દીધી છે, જેનાથી ઝાંસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
મંદાકિની નદીના પાણી રામઘાટ અને નિર્મોહી અખાડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને નદી કિનારે ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
પ્રયાગરાજમાં સંગમ વિસ્તાર ડૂબ્યો, વેપાર અને પૂજા વિધિને અસર
પ્રયાગરાજમાં ગંગા-યમુનાના પાણી વધી જતાં માઘ મેળા અને કુંભ મેળો ભરાય છે તે સમગ્ર ક્ષેત્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મેળા વિસ્તારના મુખ્ય રસ્તાઓ તથા સંપર્ક માર્ગો પર પણ પૂરના પાણી ફરી વળ્યા છે.
સ્થિતિ ગંભીર બનતાં સ્થાનિક દુકાનદારો પોતાની સામગ્રી સુરક્ષિત અને ઊંચા સ્થળોએ ખસેડી રહ્યા છે. ધાર્મિક વિધિ કરાવતા પંડા (તીર્થપુરોહિત) સમુદાયે પણ પોતાના ધ્વજ અને પૂજા સ્થળો અન્યત્ર ખસેડ્યા છે. શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતાં સ્થાનિક નાવિકો, દુકાનદારો અને તીર્થપુરોહિતોની રોજીરોટી પર વિપરીત અસર પડી છે.
દેહરાદૂનમાં તમસા નદીમાં પૂર
ઉત્તરાખંડના દેહરાદૂનમાં સતત વરસી રહેલા વરસાદને કારણે તમસા નદીમાં પૂર આવ્યું છે. પ્રસિદ્ધ તપકેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી આ નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત ઝડપી બન્યો છે, જેના પગલે આસપાસના રહેણાંક વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશના સતનામાં સેના દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં અવિરત વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સતના જિલ્લા મુખ્યાલયથી ૨૦ કિલોમીટર દૂર સોહાસ ગામના મલહાન ટોલામાં ૫૦થી વધુ ગ્રામજનો પૂરના પાણીમાં ઘેરાઈ ગયા હતા. કેટલાક લોકો મદદ માટે ઘરની છત પર ચડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં સતનાના સાંસદ ગણેશ સિંહ અને જિલ્લા વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં SDRF તથા સેનાના બે હેલિકોપ્ટરોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પૂરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહ્યું છે.




