Get The App

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ 1 - image

- ત્રણ મિનિટ અને 10 સેકન્ડના છ છંદોવાળા વંદે માતરમનો દેશભરમાં અમલ

- જ્યારે જન ગણ મન અને વંદે માતરમ સાથે ગાવાના થાય ત્યારે વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી વિવાદની શક્યતા

- સ્કૂલ-કોલેજોમાં પણ સંપૂર્ણ વંદે માતરમ ફરજિયાત, થીયેટરોને છૂટછાટ : ગ્રહ મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી

નવી દિલ્હી : હવેથી દેશભરમાં રાષ્ટ્રગાન વંદે માતરમ સંપૂર્ણ ગવાશે, એટલુ જ નહીં હવેથી રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રગાન  વંદેમાતરમ બન્ને સાથે ગાવાના થાય કે વગાડવામાં આવે તો તેવી સ્થિતિમાં વંદે માતરમને પ્રાથમિકતા આપવાની રહેશે, એટલે કે પહેલા રાષ્ટ્રગાન વંદે માતરમ ગવાશે કે વગાડાશે પછી રાષ્ટ્રગીત જન ગણ મન ગવાશે. વંદે માતરમ રાષ્ટ્રગાનનું અખંડ એટલે કે પૂર્ણ વર્ઝન ત્રણ મિનિટ અને ૧૦ સેકન્ડનું માનવામાં આવે છે.  

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમના તમામ છ છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે, અધુરુ વંદે માતરમ વગાડવું કે ગાવું નહીં. આ દરમિયાન તમામ નાગરિકોએ વંદે માતરમના સન્માનમાં ઉભા રહેવાનુ રહેશે, જોકે જ્યારે કોઇ ફિલ્મમાં  ગાવામાં આવે કે સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકો પાસેથી ઉભા થવાની અપેક્ષા ના રાખી શકાય. 

વંદે માતરમના ૧૫૦ વર્ષની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. સાથે જ સ્કૂલ પ્રશાસનને તિરંગો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃકતા આવે તેવા પ્રયાસો કરવા પણ કહ્યું છે. આ તમામ નવા આદેશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.   વંદે માતરમની રચના બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, પ્રથમ વખત ૧૮૯૬માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું, જે બાદમાં દેશની સ્વતંત્રતાનો એક હિસ્સો બની ગયું અને સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાતિકારીઓએ પણ તેને આઝાદીની ચળવળમાં અપનાવ્યું. અત્યાર સુધી રાષ્ટ્રગીત જન ગણ મન અને પછી રાષ્ટ્રગાન વંદે માતરમ એવો ક્રમ ચાલતો આવ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન પહેલા પ્રાથમિકતા આપી છે. જેને કારણે રાજકીય વિવાદ છેડાય તેવી પણ શક્યતાઓ છે.

વંદે માતરમ અંગે કેન્દ્રની ગાઇડલાઇન

- તમામ સરકારી કાર્યક્રમો, સ્કૂલોમાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કે  વગાડવામાં આવશે.

- જ્યારે પણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવે ત્યારે તમામ લોકોએ ઉભા થવાનું રહેશે. 

- પદ્મ એવોર્ડ કાર્યક્રમોમાં પણ હવેથી વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે.

- રાષ્ટ્રપતિ જે પણ કાર્યક્રમમાં હાજર રહે ત્યાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

- થીયેટરોમાં વંદે માતરમ ફરજિયાત વગાડવાનું રહેશે પરંતુ ઉભા થવું ફરજિયાત નહીં રહે.