India

ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટીથી લઈને PMની માફી સુધી: રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે મૂકી 3 આકરી શરતો

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 10 જનપથથી સમર્થન આપ્યું છે. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક બરખાસ્ત કરવા, વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના જવાબદારો સામે કાર્યવાહી કરવા, અને વડાપ્રધાન મોદી યુવાનોની માફી માંગે તેવી 3 મુખ્ય માંગણીઓ કરી છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટીથી લઈને PMની માફી સુધી: રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે મૂકી 3 આકરી શરતો
IMAGE - IANS

Rahul Gandhi on student protest: દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે. એક તરફ જ્યાં વિદ્યાર્થીઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની શક્યતાઓ છે, ત્યાં બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ 10 જનપથથી પત્રકાર પરિષદ યોજીને વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપ્યું છે અને કેન્દ્રની મોદી સરકાર સામે દેશવ્યાપી આક્રોશને વાચા આપતાં ત્રણ મુખ્ય શરતો એટલે કે 'નો-નેગોશિયેબલ' માંગણીઓ રજૂ કરી છે.

શિક્ષણ મંત્રી સામે કડક કાર્યવાહીની માગ

રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશના લાખો યુવાનોનું ભવિષ્ય રોળવા માટે જવાબદાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે સરકારની આંતરિક હિલચાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, એવી અફવાઓ આવી રહી છે કે સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવીને અન્ય કોઈ ખાતામાં મોકલવાની ફિરાકમાં છે. જોકે, આ કોઈ ઉકેલ નથી. પ્રધાન ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાનો પર્યાય બની ચૂક્યા છે, તેથી તેમનું માત્ર મંત્રાલય બદલવાને બદલે તેમને પ્રધાનમંડળમાંથી જ તરત બરખાસ્ત કરવામાં આવે.

યુવાનો પર અમાનુષી અત્યાચારનો આરોપ

આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પોલીસ કાર્યવાહી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિરોધ કરી રહેલા યુવાનો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. તેમણે એક પીડિત વિદ્યાર્થીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક વિદ્યાર્થીની આંખમાં છરરો વાગવાના કારણે તેની જોવાની ક્ષમતા કાયમ માટે જતી રહેવાની ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. સેંકડો વિદ્યાર્થીઓ લોહીલુહાણ થયા છે અને અનેકના માથા ફૂટ્યા છે. કોંગ્રેસ નેતાએ માંગ કરી છે કે આ પ્રકારની હિંસક કાર્યવાહીના આદેશ આપનારા અને હિંસા આચરનારા તમામ અધિકારીઓ તથા જવાબદારો સામે સખતમાં સખત પગલાં ભરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.

વડાપ્રધાનની ભૂમિકા સામે સવાલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ, યુવાનો જ્યારે રસ્તા પર પોતાનો હક અને ન્યાય માંગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન વીડિયો સંદેશાઓ બનાવીને માત્ર સલાહ-સૂચનો આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને આવી બોગસ સલાહોની નહીં પરંતુ નક્કર ન્યાયની જરૂર છે.

તેમણે આગ્રહ રાખ્યો હતો કે વડાપ્રધાને દેશના નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને અપમાનની જવાબદારી સ્વીકારવી જોઈએ અને આખા દેશ સામે યુવાનોની જાહેરમાં માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ ત્રણેય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને દેશની જનતા પીછેહઠ નહીં કરે.