ફ્રી રેન્ટિંગ કે ફ્રોડ? નવરાત્રિના કપડાં પહેરીને પાછા આપવાના ચલણથી સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગરબા પૂરા, પાર્સલ પરત: શું ઓનલાઈન શોપિંગમાં 'Wardrobing' નો ટ્રેન્ડ વધી રહ્યો છે?
- 1 દિવસનો શોખ અને વેપારીઓને નુકસાન: નવરાત્રિમાં કપડાંના રિટર્નનો નવો વિવાદ.
- દાંડિયા ખતમ, પાર્સલ રિટર્ન: જાણો ઈ-કોમર્સમાં 'ફ્રી રેન્ટિંગ' સ્કેમ શું છે?
Free Renting News Social Media Trend : નવરાત્રિ એટલે રંગો, રોશની અને ગરબાનો તહેવાર! આ 9 દિવસોમાં દરેકને સૌથી અલગ અને આકર્ષક દેખાવું હોય છે. નવી ચણિયા-ચોળી, મેચિંગ જ્વેલરી અને ટ્રેડિશનલ આઉટફિટ્સ માટે અઠવાડિયા પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ માટે હવે ઓનલાઇન ખરીદીનું ચલણ ખાસ્સું વધ્યું છે. પરંતુ આ બાબતે દૂષણ કહી શકાય એવી એક પ્રવુત્તિ પણ શરૂ થઈ છે. ગરબામાં શાનદાર કપડાં પહેરીને યુવાઓ ઝૂમી લે છે, ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકી દે છે, અને પછી એ કપડાં ઓનલાઈન કંપનીઓને પાછા આપી દેતા હોય છે. આમ કરીને મફતમાં નવરાત્રિની મજા માણી લેતા યુવાનો વિશે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે ‘નોરતાં ખતમ, પાર્સલ પરત!’ની આવી માનસિકતા કેટલી હદે વાજબી છે અને એનાથી ઈ-કોમર્સ બજાર પર શું અસર પડી રહી છે.
'વોર્ડરોબિંગ' (Wardrobing) અથવા ‘ફ્રી રેન્ટિંગ’નો નવો ટ્રેન્ડ
સોશિયલ મીડિયા પર હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઘણા યુવાનો ગરબાના કપડાં ઓનલાઈન ઓર્ડર કરે છે, તેને નવરાત્રિ દરમિયાન ગરબા રમવા માટે પહેરે છે, શાનદાર ફોટા અને રીલ્સ (Reels) બનાવીને ઈન્સ્ટાગ્રામ પર મૂકે છે, અને તહેવાર પૂરો થતાં જ તે કપડાં પરત કરીને રિફંડ મેળવી લે છે. ઈ-કોમર્સ અને રિટેલની દુનિયામાં આ પ્રથાને 'Wardrobing' અથવા 'ફ્રી રેન્ટિંગ' કહેવામાં આવે છે. આ ટ્રેન્ડે ગ્રાહકની નૈતિકતા અને ઓનલાઈન શોપિંગના નિયમો બાબતે મોટી ચર્ચા જગાવી છે.
શું તહેવાર પછી કપડાં પરત કરવા યોગ્ય છે?
ઓનલાઈન શોપિંગમાં રિટર્ન પોલિસી ગ્રાહકોની સગવડ માટે છે. ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહક કપડાંને સ્પર્શ કરી શકતો નથી કે ટ્રાયલ લઈ શકતો નથી. તેથી, જો કપડાંની સાઈઝ ખોટી હોય, રંગ અથવા ડિઝાઇન ફોટા કરતા અલગ હોય, અથવા પ્રોડક્ટમાં કોઈ ખામી હોય, તો રિટર્ન સુવિધાનો ઉપયોગ કરવો એ ગ્રાહકનો 100% અધિકાર છે. પરંતુ જો કોઈ વ્યક્તિ માત્ર 1 જ દિવસના ફંક્શન માટે કપડાં ખરીદે અને તેને વાપરીને પાછા આપી દે, તો તે ગેરરીતિ છે. ખાસ કરીને જ્યારે કપડાં વપરાઈ ગયા હોય અને રિટર્ન કરવાનું કારણ ખોટું આપવામાં આવ્યું હોય, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું રિટર્ન ફીચરનો તેના સાચા હેતુસર ઉપયોગ થઈ રહ્યો છે?
વેપારીઓને થાય છે મોટું નુકસાન
ગ્રાહક માટે ભલે આ મફતમાં કપડાં પહેરવાની એક સ્માર્ટ રીત હોય, પરંતુ ઓનલાઈન વ્યવસાયો અને નાના રિટેલર્સ માટે તે ખૂબ જ પડકારજનક અને નુકસાનકારક છે. ઉદાહરણ તરીકે, કોઈ નાના દુકાનદારે નવરાત્રિ માટે ખાસ ચણિયા-ચોળી ડિઝાઇન કરી હોય. ગ્રાહક તેને ગરબામાં પહેરીને પરસેવાવાળા અથવા ધૂળવાળા કપડાં પરત કરે છે. જો કપડાં પર ડાઘ લાગી ગયા હોય, સિલાઈ બગડી ગઈ હોય કે તે ઘસાઈ ગયા હોય તો વેપારી તેને 'નવા' તરીકે બીજા કોઈને વેચી શકતો નથી. આ ઉપરાંત, જ્યારે કોઈ ઓર્ડર પરત આવે છે, ત્યારે વેપારીએ ઈ-કોમર્સ પ્લેટફોર્મને રિટર્ન ફી, કુરિયર ચાર્જ અને પેકિંગનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી ભોગવવો પડે છે.
સાચા ગ્રાહકો પર પડે છે માઠી અસર
ગ્રાહકોના અધિકારો અને જવાબદારીઓ બંને એક સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે. 'Wardrobing' જેવા ફ્રોડને કારણે ઈ-કોમર્સ કંપનીઓ અને વેપારીઓ સતર્ક થઈ ગયા છે. તાજેતરના અહેવાલો મુજબ, આવા રિટર્ન ફ્રોડથી બચવા માટે કંપનીઓ તેમની નીતિઓ કડક કરી રહી છે. પરિણામે, જે કંપનીઓ પહેલા 30 દિવસનું રિટર્ન આપતી હતી, તે હવે ઘટાડીને 7 દિવસનું કરી દીધું છે અથવા તો રિફંડના બદલે માત્ર 'રિપ્લેસમેન્ટ' જ આપે છે. આવા કડક નિયમોના કારણે એવા સાચા ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે જેમને ખરેખર ખામીયુક્ત વસ્તુ મળી હોય. તેથી, કોઈ પણ ખરીદી કરતા પહેલા પરત કરવાની શરતો વાંચવી અને આ સુવિધાનો ઈમાનદારીથી ઉપયોગ કરવો એ એક જાગૃત અને જવાબદાર ગ્રાહકની નિશાની છે. ‘ફ્રી રેન્ટિંગ’ નામનું ‘ફ્રોડ’ કરીને બીજાને નુકસાન પહોંચાડવાની માનસિકતા યોગ્ય ન કહેવાય.




