'આવા બિહામણા દૃશ્યો ક્યારેય નથી જોયા...', કેનેડામાં સૈન્ય બેઝ પર ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, PM કાર્ની આઘાતમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Canada Fire News : કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં આવેલા વેનરાઈટ સૈન્ય અડ્ડા (મિલિટરી બેઝ) પર શનિવારે એક ભયાનક આગ ફાટી નીકળી હતી. સૈન્ય અડ્ડાના ટ્રેનિંગ એરિયામાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં કેટલાક સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અનેક જવાનો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સહિતના અગ્રણી નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, વેનરાઈટ મિલિટરી બેઝના ટ્રેનિંગ ક્ષેત્રમાં અચાનક આગ ભુકી ઊઠી હતી. એ સમયે ચાલી રહેલા ભારે પવનોને કારણે આગની જવાળાઓ સૈન્ય અડ્ડાની સીમાઓ વટાવીને આસપાસના વિસ્તારો સુધી ઝડપથી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ અનેક ઇમરજન્સી એજન્સીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા તેમજ જવાનોને રેસ્ક્યૂ કરવા મોટા પાયે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
કેનેડાના સંરક્ષણ મંત્રી ડેવિડ મેકગિન્ટીએ ઘટનાસ્થળની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, તેમની યાદગીરીમાં તેમણે આટલો દર્દનાક નજારો ક્યારેય જોયો નથી. તેમણે જવાનોના મોત અને ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ કરી હતી, જોકે સત્તાવાર રીતે મૃતકો કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
આ દુર્ઘટના પર અલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથે પણ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, પ્રાંતીય પ્રશાસન અને સ્થાનિક તંત્ર મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે અલ્બર્ટા ઉપરાંત અન્ય પ્રાંતોમાંથી પણ વધારાની મદદ અને ફાયર ફાઈટિંગ ટીમો બોલાવવામાં આવી છે.
તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને ઘટનાસ્થળ અને આસપાસના માર્ગોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે, જેથી કટોકટીના વાહનો સરળતાથી અવરજવર કરી શકે. આ ઉપરાંત, બિનજરૂરી કારણોસર વેનરાઈટ હેલ્થ સેન્ટર તરફ ન જવાની સલાહ આપવામાં આવી છે. કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ (RCMP) અને સંબંધિત તપાસ એજન્સીઓએ આગ કયા કારણોસર લાગી તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.




