Get The App

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ 1 - image

Ankita Bhandari Murder Audio Case: ઉત્તરાખંડના ચકચારી અંકિતા ભંડારી મર્ડર કેસ સાથે જોડાયેલા કથિત ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી લીધી છે. દેહરાદૂન પોલીસે આ કાર્યવાહી એવા મામલામાં કરી છે, જેમાં એક ઓડિયો ક્લિપ દ્વારા ભાજપના એક નેતાનું નામ અંકિતા ભંડારી હત્યાકાંડ સાથે જોડવાનો આરોપ લાગ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ડાલનવાલા પોલીસ સ્ટેશન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત ટીમે હરિદ્વારના બુગ્ગાવાલા વિસ્તારમાંથી સુરેશ રાઠોડની ધરપકડ કરી હતી.

વાસ્તવમાં આ સમગ્ર મામલો ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત કુમાર ગૌતમની ફરિયાદ બાદ આગળ વધ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સુરેશ રાઠોડ અને ઉર્મિલા સનાવર સાથે જોડાયેલી કેટલીક ઓડિયો-વીડિયો ક્લિપ્સ જાણીજોઈને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું હતું કે આ કૃત્ય પાછળનો હેતુ તેમની અને ભાજપના અન્ય મોટા નેતાઓની છબીને ખરાબ કરવાનો છે. દુષ્યંત ગૌતમ ઉપરાંત આરતી ગૌર નામની મહિલાએ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. બંનેનું સ્પષ્ટ કહેવું હતું કે, આ મનઘડત કન્ટેન્ટ માત્ર બદનામ કરવાના ઈરાદાથી જ શેર કરવામાં આવ્યું હતું.


સુરેશ રાઠોડે તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા

બીજી તરફ સુરેશ રાઠોડે પોતાના પર લાગેલા આ તમામ આરોપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે પોતાની સામે દેહરાદૂન અને હરિદ્વાર જિલ્લામાં નોંધાયેલી ચાર FIRને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં પડકારી હતી. આ મામલે સુનાવણી કરતી વખતે નૈનીતાલ હાઈકોર્ટના જસ્ટિસ રાકેશ થપલિયાલની સિંગલ બેન્ચે તાજેતરમાં જ રાઠોડને આંશિક રાહત આપી હતી. કોર્ટે તેમની સામે નોંધાયેલી ચારમાંથી બે FIR રદ કરી દીધી હતી, પરંતુ બાકીની બે FIR ખતમ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો: માત્ર 30 વર્ષની વયે અભિનેત્રી સંચિતાએ લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ 'છાવા'માં ભજવ્યો હતો અગત્યનો રોલ

હાઈકોર્ટની ટિપ્પણી

હાઈકોર્ટે આરતી ગૌર અને દુષ્યંત ગૌતમ તરફથી નોંધાવવામાં આવેલી FIR પર પોલીસ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. અદાલતે પોતાના ચુકાદામાં ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ બંને ફરિયાદોથી ગંભીર ગુનાનો મામલો બને છે. કોર્ટનું માનવું હતું કે સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિનું નામ આવા જઘન્ય હત્યાકાંડ સાથે જોડવું અને તેની છબીને નુકસાન પહોંચાડવું એ મોટો ગુનો છે, તેથી તેની ઊંડાણપૂર્વક તપાસ થવી ખૂબ જ જરૂરી છે. હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળતા જ પોલીસે કાર્યવાહી તેજ કરી અને પૂર્વ ધારાસભ્યની ધરપકડ કરી લીધી.