India

પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામ મંદિર ટ્રસ્ટના પહેલા સીઈઓ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પહેલા CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક કરાઈ છે. ગોવિંદ દેવ ગિરિ નવા મહાસચિવ બન્યા છે, જ્યારે દિલ્હીના મહેશ ભાગચંદાની નવા કોષાધ્યક્ષ છે. અયોધ્યાના મદનમોહન પાંડે અને શિકોહાબાદનાં નિર્મલા યાદવ નવા ટ્રસ્ટી બન્યા છે. 5500 અરજીઓમાંથી તેમની પસંદગી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામ મંદિર ટ્રસ્ટના પહેલા સીઈઓ
  • રામ મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિને મહાસચિવ બનાવાયા
  • દિલ્હીના મહેશ ભાગચંદાની નવા કોષાધ્યક્ષ, અયોધ્યાના મદનમોહન પાંડે અને શિકોહાબાદનાં નિર્મલા યાદવ નવા ટ્રસ્ટી

અયોધ્યા : ઓપરેશન સિંદૂર સમયે પશ્ચિમ એર કમાન્ડનું નેતૃત્વ કરનારા નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની બુધવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પહેલા સીઈઓ તરીકે પસંદગી કરાઈ છે. હવે તેઓ રામ મંદિર ટ્રસ્ટના મેનેજમેન્ટ અને કામગીરી પર દેખરેખ રાખશે. આ સાથે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં પણ મોટો ફેરફાર કરાયો છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિની હવે ચંપત રાયની જગ્યાએ મહાસચિવ તરીકે નિમણૂક કરાઈ છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાન ચોરી વિવાદ પછી સીઈઓની નિમણૂકની જરૂરિયાત અનુભવાઈ હતી અને આ માટે અરજીઓ મગાવાતા અંદાજે ૫૫૦૦ લોકોએ રામ મંદિર ટ્રસ્ટના સીઈઓ બનવા અરજી કરી હતી. અરજદારોના સ્ક્રિનિંગ અને ઈન્ટરવ્યૂની લગભગ બે મહિના સુધી ચાલેલી પ્રક્રિયા પછી બુધવારે ટ્રસ્ટના પહેલા સીઈઓની જાહેરાત કરવામાં આવી છે.
ગયા વર્ષે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનારા નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની ટ્રસ્ટના પહેલા સીઈઓ તરીકે નિમણૂક કરાઈ છે. સીઈઓની સાથે ટ્રસ્ટના ત્રણ નવા ટ્રસ્ટીની પણ પસંદગી કરાઈ છે. વધુમાં ટ્રસ્ટની વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરાયો છે.
હવે ટ્રસ્ટમાં કોષાધ્યક્ષની જવાબદારી સંભાળનારા ગોવિંદ દેવ ગિરિને નવા મહાસચિવ બનાવાયા છે જ્યારે દિલ્હીના મહેશ ભાગચંદકાની કોષાધ્યક્ષપદે નિમણૂક કરાઈ છે. અયોધ્યાના મદન મોહન પાંડે અને શિકોહાબાદનાં નિર્મલા યાદવને ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
રામ મંદિર ટ્રસ્ટમાં ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અને વિમલેન્દ્ર મોહનના નિધન બાદ ટ્રસ્ટમાં ત્રણ જગ્યા ખાલી પડી હતી. મદન મોહન પાંડે વ્યવસાયે વકીલ છે. તેઓ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં રામલલા તરફથી વકીલોની ટીમનો ભાગ હતા. ડો. નિર્મલા યાદવે હિન્દી અને સંસ્કૃતમાં માસ્ટર કર્યું છે.
ઉત્તર પ્રદેશના દેવરિયાના નિવાસી જિતેન્દ્ર મિશ્રા ૬ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ એરફોર્સમાં નિયુક્ત થયા હતા. એરફોર્સમાં તેમણે ૩૯ વર્ષ સુધી વિવિધ પદો પર મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સર્વિસ દરમિયાન ઓપરેશન સિંદૂરમાં તેમની ભૂમિકા મહત્વની હતી. આ સમયે તેઓ વેસ્ટર્ન કમાન્ડના ચીફ હતા. ઓપરેશન સિંદૂર પહેલા તેમણે કારગિલ યુદ્ધમાં પણ મિરાજ ૨૦૦૦થી લેસર ગાઈડેડ બોમ્બનું સંચાલન કરનારી ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં સીઈઓ તરીકે તેઓ મંદિરના મેનેજમેન્ટ અને નાણાકીય જવાબદારીને મજબૂત કરવાનું કામ સંભાળશે. ટ્રસ્ટની બુધવારે યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી આ નિમણૂકો થઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કાર્યવાહક મહાસચિવ ડો. કૃષ્ણ મોહને આ નિર્ણયોની જાહેરાત કરી હતી.