ફાઈનાન્સર બળજબરીથી, અડધી રાતે વાહન જપ્ત કરી શકે નહીં : સુપ્રીમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફાઈનાન્સ કંપનીની ઝાટકણી : રૂ. ૧૦ લાખના વળતરનો આદેશ
- ફાઈનાન્સ કંપનીએ સ્ટિયરિંગ લોક તોડી ટ્રક કબજે કરી હતી : અરજદારની રીટ વિલંબથી કરાઈ હોવાની દલીલ સુપ્રીમે ફગાવી
નવી દિલ્હી : ફાઈનાન્સ કંપનીઓ અને નોન-બેન્કિંગ ધિરાણ કંપનીઓ આરબીઆઈના નિશ્ચિત નિયમો અને પૂર્વ નોટિસની પ્રક્રિયાનું પાલન કર્યા વિના ધિરાણ હેઠળનું વાહન જપ્ત કરી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સુપ્રીમે કહ્યું કે, લોનની વસૂલી અથવા વાહનની જપ્તીનું કામ માત્ર કાયદાકીય રીતે જ કરી શકાય છે. આ સાથે સુપ્રીમે ફાઈનાન્સરને દંડ કરતા ટ્રક માલિકને રૂ. ૧૦ લાખનું વળતર અપાવ્યું હતું.
ન્યાયાધીશો પીએસ નરસિંહા અને આલોક અરાઘેની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, અડધી રાતે તાળું તોડીને મરજીમુજબ વાહન આંચકી લેવું એ બંધારણની કલમ ૧૪ (સમાનતા) અને કલમ ૨૧ (આજીવિકાના અધિકાર)નો ખુલ્લેઆમ ભંગ છે. બેન્ચે કહ્યું કે, લોન પરનું વાહન જપ્ત કરવાનો ફાઈનાન્સરને અધિકાર છે, પરંતુ તેના માટે કાયદાકીય માર્ગે જ આગળ વધવું પડે. ફાઈનાન્સર બળજબરીથી, છેતરપિંડી કરીને અથવા કરારની શરતોનો ભંગ કરીને વાહન જપ્ત કરી શકે નહીં.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે ટ્રક માલિકને વળતર આપવાનો પણ આદેશ આપ્યો, જેની ટ્રક કોઈપણ નોટિસ આપ્યા વિના રાતે ૧ કલાકે સ્ટિરિંગ લોક તોડીને જપ્ત કરી લેવાઈ હતી. ન્યાયાધીશ નરસિમ્હા અને આલોક અરાઘેની બેન્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટનો આદેશ રદ કરતા આ ચૂકાદો આપ્યો હતો. હાઈકોર્ટે અરજદારની રીટ અરજી એમ કહેતા નકારી કાઢી હતી કે ટ્રક વેચાઈ ચૂકી હતી, ટ્રક માલિકે હાઈકોર્ટમાં વિલંબથી અરજી કરી હતી અને લોનના હપ્તા ચૂકવવામાં પણ ડિફોલ્ટ થયો હતો.
અરજદારે ૨૦૧૯માં ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ ફંડ એન્ડ ફાઈનાન્સ કંપની લિ. પાસેથી તેની ટ્રક માટે કોમર્શિયલ વાહનની લોન લીધી હતી અને તેના માટે ટ્રક ગીરવે રખાઈ હતી. સાથે જ જૂન ૨૦૨૧માં એક વધારાની પણ લોન લેવાઈ હતી. પેમેન્ટમાં ચૂક થતા કંપનીએ ૨૦૨૨માં એક વખત ગાડી જપ્ત કરી હતી. થોડું પેમેન્ટ થયા પછી તેને છોડી દીધી અને સતત પેમેન્ટમાં ચૂક થતા નોટિસ પાઠવી હતી. પછી અચાનક ૨૦૨૩માં અડધી રાતે ચાર લોકો ટ્રક ઉઠાવી ગયા હતા.




