Get The App

દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 172% નો વધારો, ભારતમાં ચૂંટણી બાદ વધવાની આશંકા

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 172% નો વધારો, ભારતમાં ચૂંટણી બાદ વધવાની આશંકા 1 - image

Petrol and diesel Price News : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે. ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં 172 ટકાનો ઊછાળો થયો છે જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 71 ડોલરથી વધીને 111 ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ રહી છે.

વૈશ્વિક સ્તર પર ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દેશોમાં ફિલિપાઈન્સમાં 172 ટકા, લાઓસમાં 169 ટકા, મ્યાંમારમાં 161 ટકા, મલેશિયામાં 124 ટકાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. 94.77 અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 87.67ના સ્તરે સ્થિર છે.

જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર અંકુશ મૂકેલા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. 10નો એક્સાઈઝ સેસ ઘટાડી નાંખ્યો છે અને નિકાસ પરનો ટેક્સ પણ વધાર્યો છે.

જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર તોતિંગ વધારાની આશંકા સેવાઈ રહી છે. મેકક્વેર ગૂ્રપના રિપોર્ટ મુજબ સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 18 અને ડીઝલ પર રૂ. 35નું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી. સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. જોકે, હવે ભાવ વધારો રોકવો સરકાર માટે મુશ્કેલ બનશે તેમ મનાય છે.